ભરૂચ: ભરૂચના સામાજિક કાર્યકર અને સેવ હેપ્પીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરને સામાજિક ક્ષેત્રે કરેલા સેવાકીય પ્રયાસોની નોંધ લઈ પ્રતિષ્ઠિત ‘રેક્સ કર્મવીર ચક્ર એવોર્ડ-2026’ના સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. iCongo અને સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી 26 નવેમ્બરના રોજ ફરીદાબાદ ખાતે યોજાયેલા સમારોહમાં તેમને આ સન્માન એનાયત કરાયું હતું.
આ સમારોહમાં નીતિન ટેલરની મુખ્ય વક્તા તરીકે પણ પસંદગી કરવામાં આવી હતી. તેમણે દેશ-વિદેશમાંથી ઉપસ્થિત રહેલા ચેન્જમેકર્સ સમક્ષ નર્મદા પ્રેરણા યાત્રાની સમગ્ર સફર, અનુભવો અને તેના સામાજિક ઉદ્દેશ્યો અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. ખાસ કરીને યુવાનોમાં સામાજિક જવાબદારીની ભાવના વિકસે અને તેઓ સમાજના હિતમાં સક્રિય યોગદાન આપે તે દિશામાં કરવામાં આવતા પ્રયાસો વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ આંતરરાષ્ટ્રીય સન્માન બદલ નીતિન ટેલરે મા નર્મદાના આશીર્વાદ, પરિવારજનો, સહયોગીઓ તેમજ સેવ હેપ્પીનેસ ફાઉન્ડેશનના તમામ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભરૂચના સામાજિક કાર્યકરને મળેલા આ આંતરરાષ્ટ્રીય સન્માનથી સ્થાનિક સ્તરે આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.
