ભરૂચ શહેરની જૂનીવાડી વિસ્તારમાં ફટાકડા ફોડવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી અને મારામારીનો બનાવ સામે આવ્યો છે. ફટાકડા ફોડવાની ના પાડનાર મહિલા સાથે ગાળાગાળી કરી ઝઘડો કરનાર શખ્સે મહિલાના પતિ સાથે પણ મારામારી કરી હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, જૂનીવાડી વસંતમીલની ચાલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે રહેતાં મમતાબેન સોલંકી (ઉં.વ.28) ગત તા. 25 નવેમ્બર 2026ના રોજ રાત્રે આશરે 10:30 વાગ્યાના અરસામાં ઘરેથી ચાલતા ફળિયાની દુકાને સામાન લેવા જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ફળિયામાં આવેલા સાંઈબાબા મંદિર પાસે ખુલ્લી જગ્યામાં પ્રશાંતકુમાર પ્રેમજીભાઈ બાબરીયા ફટાકડા ફોડી રહ્યો હતો. આ સમયે મમતાબેન ત્યાંથી પસાર થતાં પ્રશાંતે તેમની તરફ ફટાકડા ફેંકી ફોડવાનું શરૂ કર્યું હતું.
મમતાબેને ફટાકડા ફોડવાની ના પાડતાં પ્રશાંત ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ મહિલાને છોડાવી હતી. બનાવની જાણ થતાં તેમના પતિ વિનોદભાઈ અને સસરા લક્ષ્મણભાઈ પણ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં પ્રશાંતે વિનોદભાઈ સાથે ઝઘડો કરી મારામારી કરી હતી અને સસરાને પણ ગાળો આપી હતી.
બાદમાં પરિવારજનોએ 112 જનરક્ષકને ફોન કરતાં પોલીસની ગાડી સ્થળ પર પહોંચી હતી. જોકે, પ્રશાંતે મમતાબેનને બીજીવાર મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલે મહિલાએ પ્રશાંતકુમાર બાબરીયા વિરુદ્ધ કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે.
