ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વરખડી ગામના નિશાળ ફળિયામાં આવેલી આંગણવાડી કેન્દ્ર-2ની બાજુમાં વર્ષો જૂનું જર્જરિત મકાન બાળકોની સુરક્ષા માટે ગંભીર જોખમ બની રહ્યું છે. ખંડેર હાલતમાં ફેરવાઈ ગયેલું આ મકાન ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વર્ષો પહેલાં આ મકાનમાં કચેરી કાર્યરત હતી, પરંતુ લાંબા સમયથી ઉપયોગમાં ન હોવાથી મકાન જર્જરિત બની ગયું છે. આંગણવાડીમાં દરરોજ નાના ભૂલકાઓ આવતા હોવાથી મકાનની જોખમી સ્થિતિ વાલીઓ અને ગ્રામજનો માટે ચિંતાનો વિષય બની છે.
ખાસ કરીને ચોમાસામાં ભારે વરસાદ કે વાવાઝોડા દરમિયાન જો આ મકાન ધરાશાયી થાય તો મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા છે. આવી સ્થિતિમાં કોઈ નિર્દોષ બાળકને ઈજા કે જાનહાનિ થાય તો જવાબદારી કોની રહેશે? શું તંત્ર કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે?
ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક સ્થળ તપાસ કરી જર્જરિત મકાનને નિયમ મુજબ તોડી પાડવામાં આવે અને કાટમાળનો નિકાલ કરવામાં આવે, જેથી આંગણવાડીમાં આવતા બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
