Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મકાનના નફામાં અડધો ભાગ ન આપતા ભરૂચના યુવક પર વડોદરાના શખ્સનો ચપ્પુથી હુમલો! : જૂના મકાનના સોદામાં રૂ.32 લાખમાં વેચાણ કર્યા બાદ નફાની ભાગીદારી મુદ્દે વિવાદ; ઘરમાં ઘૂસી ગળા, પીઠ અને હાથ પર ચપ્પુના ઘા ઝીંક્યા, પત્નીની ફરિયાદ

Share

ભરૂચ: મકાનના ખરીદ-વેચાણના સોદામાં થયેલા નફામાં અડધો ભાગ આપવાની માંગણીને લઈને થયેલો વિવાદ હિંસક બન્યો હતો. વડોદરાના એક શખ્સે ભરૂચના યુવકના ઘરમાં ઘૂસી ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ ભરૂચમાં નોંધાઈ છે. હુમલામાં યુવકને ગળા, પીઠ અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે પામલેન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, ભરૂચના ગાયત્રીનગર, શક્તિનાથ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય આયુષીના લગ્ન તુષાર રાજેન્દ્રભાઈ મોહિતે સાથે થયા છે. આયુષીની શાળાકીય બહેનપણી રીયા પટેલના પતિ તુષાર વાઘેલાએ આશરે બે વર્ષ અગાઉ વડોદરાના મકરપુરા વિસ્તારમાં પવિત્ર ટાઉનશિપ ખાતે પુષ્પાબેન પંડ્યાના મકાન અંગે માહિતી આપી હતી. મકાન ગીરવે હોવાની વાત કરી ઓછા ભાવે રોકાણ કરવાની સલાહ આપી હતી.

Advertisement

ત્યારબાદ આયુષી અને તેના પતિએ મકાન છોડાવવા રૂ.15 લાખ ચૂકવ્યા હતા અને વધારાના રૂ.5 લાખ આપી મકાનનો દસ્તાવેજ આયુષીના નામે કરાવ્યો હતો. આશરે દોઢ વર્ષ બાદ આ મકાન બ્રધર્સ નામની કપડાની દુકાન ચલાવતા પ્રતીક ઠાકોર અને અલ્પેશ ઠાકોરને રૂ.32 લાખમાં વેચાણ કર્યું હતું.

મકાનના વેચાણની જાણ થતાં રીયાના પતિ તુષાર અને તેના જેઠ કમલેશે મકાનના નફામાં અડધો ભાગ માંગ્યો હતો. જોકે, આયુષી અને તેના પતિએ મકાન પાછળ થયેલા ખર્ચને કારણે ખાસ નફો થયો ન હોવાનું જણાવ્યું હતું. આ બાબતે કમલેશે ઘરે આવીને ભાગ નહીં આપો તો જોઈ લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ પણ તે ફોન અને મેસેજ કરીને પૈસાની માંગણી કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

દરમિયાન 26 નવેમ્બર, 2026ના રોજ બપોરે આશરે અઢી વાગ્યે આયુષીના પતિ તુષારે ફોન કરીને જણાવ્યું હતું કે, તેના માતા-પિતા વડોદરા દવા લેવા ગયા હતા અને તે ઘરે એકલો હતો ત્યારે કમલેશ વાઘેલા ચપ્પુ લઈને ઘરમાં ઘૂસી આવ્યો હતો. સૂતેલા તુષાર પર હુમલો કરી ગળા, પીઠ અને હાથના ભાગે ચપ્પુના ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.

માહિતી મળતાં આયુષી પોતાના ભાઈ સાથે પામલેન્ડ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં પતિને પીઠના ભાગે ત્રણ, ગળાના પાછળના ભાગે એક અને જમણા હાથની આંગળીઓમાં એક સહિત કુલ પાંચ ઇજાઓ જોવા મળી હતી. હાલ તુષાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને અર્ધબેભાન અવસ્થામાં હોવાથી નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં ન હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. આ મામલે પત્ની આયુષીએ કમલેશ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.


Share

Related posts

અંકલેશ્વર નગપાલિકાના હદ વિસ્તારોમાં આવેલાં વોર્ડ નં. 1 અને વોર્ડ નં. 9 માં ગંદકીનું સામ્રાજ્ય.

ProudOfGujarat

માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદી ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચને મુખ્યમંત્રીની રૂ. ૧૩૫૦ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!