રાજકોટ: રાજકોટ શહેરમાં ઓનલાઈન જુગારની પ્રવૃત્તિ સામે DCB પોલીસે કાર્યવાહી કરી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી મોબાઈલ ફોનમાં કસીનોની ID મારફતે ઓનલાઈન તીન પત્તીનો જુગાર રમી પૈસાની હારજીતના સોદા કરતો ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી રૂ.15 હજારની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, તા.30 સપ્ટેમ્બર 2025ના રોજ DCB પોલીસનો સ્ટાફ ખાનગી વાહનમાં રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. દરમિયાન હોસ્પિટલ ચોક ખાતે પહોંચતા પોલીસને બાતમી મળી હતી કે શ્રોફ રોડની સામેની ગલીમાં તાલુકા કચેરી પાસે એક શખ્સ મોબાઈલ ફોનમાં ગેરકાયદેસર ID મારફતે ઓનલાઈન કસીનોનો જુગાર રમી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી વર્ણન મુજબના શખ્સની હિલચાલ પર નજર રાખી હતી. ત્યારબાદ બે પંચોને બોલાવી તપાસ કરતાં શખ્સના મોબાઈલમાં ALLPANEL777 નામની કસીનો ID ખુલ્લી જોવા મળી હતી. જેમાં તીન પત્તીના જુગારના સોદા અને અન્ય આંકડાકીય લખાણ મળી આવ્યાં હતાં.
પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ પોતાનું નામ રાજેશ દીનેશભાઈ ગોહેલ (ઉં.વ.32), રહે. ગૌતમનગર સોસાયટી, રાજકોટ હોવાનું જણાવ્યું હતું. તેણે ઓનલાઈન ID મારફતે તીન પત્તીનો જુગાર રમી હારજીતના સોદા કર્યા હોવાનું કબૂલ્યું હતું.
પોલીસે જુગારના સોદાના સ્ક્રીનશોટ મેળવી રૂ.15 હજારની કિંમતનો સેમસંગ ગેલેક્સી S23 મોબાઈલ ફોન કબજે કર્યો હતો. આરોપીને જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
