ભરૂચ.
ભરૂચ રેલવે પોલીસની ટીમ ટ્રેનમાં થતી દારૂની હેરાફેરીને નાથવા માટે પુરતાં પ્રયાસ કરી રહી છે. દિવસે અને રાત્રીના સમયે પણ રેલવે પોલીસના જવાનો પ્લેટફોર્મ પર દારૂની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડવા માટે તૈનાત હોય છે. રેલવે પોલીસે રોજના એક-બે મુસાફરો ક્યારેક ક્યારેક 4-5 મુસાફરોને એક-બે ક્વાટરિયા કે પછી થોડા વધારે દારૂ સાથે ઝડપી પાડે છે. તેમ છતાંય બુટલેગરો એટલાં હોશિયાર હોય છે કે કાર્મનિષ્ટ રેલવે પોલીસને ચકમો આપી બીજી તરફથી રેલવે વિસ્તારમાંથી બે-ચાર પેટી વધુનો માલ લગભગ રોજ ઉતારે છે. જે ભરૂચના બુટલેગરોને સપ્લાય અપાય છે. થોડા સમય પહેલાં જ ભરૂચ એ ડિવિઝન પોલીસે ભરૂચના ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી ખાતેથી કુખ્યાત બુટલેગર દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયાના ઘરેથી મોટી માત્રામાં વિદેશીદારૂ ઝડપી પાડ્યો હતો. જેની પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલ્યું હતું કે, વલસાડનો ઇમરાન નામનો શખ્સ રેલવે મારફતે દારૂ લાવી તેને આપતો હતો. તે રેલવેની હદમાંથી દારૂ ભરેલી પેટીઓ લઇ આવતો હતો. ભોળી રેલવે પોલીસનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગત 28મી ફેબ્રુઆરીની પ્લેટફોર્મ નંબર 3 પર રેલવે પોલીસ સર્વેલન્સ ડ્યુટીમાં હતાં. તે વેળાં 9:10 વાગ્યે પ્રેરણા એક્સપ્રેસ ટ્રેનમાાં પાછળના જનરલ ડબ્બામાંથી એક શખ્સ લાલકલરની થેલી સાથે ઉતાવળો ઉતાવળો જતો હોઇ તેને રોકી પુછપરછ કરતાં તેણે પોતાનું નામ ઇમ્તિયાઝ ગુલામ મહંમદ શેખ (રહે. દાદરી ફળિયુ, ખેરગામ, તા. ચિખલી, નવસારી ) હોવાનું જણાવ્યું હતું. ટીમે તેની પાસેથી થેલીમાં તપાસ કરતાં તેમાં વિદેશીદારૂના 4 ક્વાટરિયા મળી આવ્યાં હતાં. પોલીસે તે દારૂ અંગે પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તેણે દમણથી પોતાના પિવા માટે ખરીદી લાવ્યો હતો. પોલીસે તેની વાતને ગ્રાહ્ય રાખી ફરીયાદ નોંધી કાર્યવાહી કરી હતી. જોકે, બુટલેગર ચિખલી-નવસારીનો રહેવાસી હોવા છતાં સીધેસીધો નવસારી જવાને બદલે ભરૂચ કેમ આવ્યો, ભરૂચમાં તે દારૂ પિવાનો હતો કે તેના વતન ચિખલીમાં? ભરૂચમાં પિવાનો હતો તો ક્યાં અને કોની સાથે દારૂ પિવાનો હતો ? તે સહિતની પ્રાથમિક શંકા ઉપજાવતાં પ્રશ્નોને લઇને પોલીસ દ્વારા કોઇ શંકા ન ઉભી કરતાં તે માત્ર ચાર ક્વાટરિયા જેટલો જ દારૂ લાવ્યો હતો કે કેમ તે સહિતના અનેક તર્કવિતર્ક સર્જાયાં છે.
