ભરૂચ એલસીબીએ બુટલેગરના ઘરે રેડ પાડી, રેલવે પોલીસે પકડેલાં ખેપિયાએ બુટલેગરનુ નામ ખોલ્યુ : કુલ ૨૬ હજારનો દારુ જપ્ત
। ભરૂચ !
ભરૂચના કુખ્યાત બુટલેગર બબુલ ઉર્ફે દિનેશ પાટણવાડિયા વિરુદ્ધ ભરૂચ એલસીબી તેમજ રેલવે પોલીસ સ્ટેશનમાં એક સાથે બે કેસ નોંધાયાં છે. એલસીબીની ટીમે તેના ઘરે દરોડો પાડી 17 હજારનો દારૂનો જથ્થો જપ્ત કર્યોહતો. જ્યારે રેલવે પોલીસે દમણથી દારૂ લાવનાર એક ખેપિયાને ઝડપી પાડતા તેણે કબુલ્યું હતું કે, તે બબુલ ઉર્ફે દિનેશ પાટણવાડિયા માટે ધરૂ વાવ્યો હતો. જોકે, બન્ને કેસમાં બબુલ ઉર્ફે દિનેશ પાટણવાડિયાને વોન્ટેડ જાહેર કરાયો છે. નોંધવુ રહ્યું કે, થોડા સમય પહેલાં જ બબુલના ઘરમાંથી પોલીસે દારૂનો વિપુલ જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, તે બાદ પણ બુટલેગરે ધંધો તે જ રીતે ચાલુ રાખતાં અનેક તર્ક વિતર્ક સર્જાયાં છે. બબુલ માટે પણ જેલમાં જવું જાણે થોડા સમય માટે પિકનિક પર જઇને આવવા જેવું હોય તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
ભરૂચ રેલવે પોલીસનો સ્ટાફ નાઈટ સર્વેલન્સની કામગીરીના ભાગરૂપે પ્લેટફોર્મ નંબર ૩ પર ચેકિંગમાં હતો. તે વેળાં લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક શખ્સ ક્રિમ કલરની કાપડની વજનદાર બેગ લઈને ઉતર્યોહતો. તેમજ ઉતાવળો ઉતાવળો ચાલતો હોય ટીમે શંકાના આધારે તેને રોકી તેના બેગમાં શું છે તે અંગેની પુછપરછ કરતાં તેણે ગલ્લાતલ્લા કરવા લાગ્યોહતો. બેગ તપાસતાં તેમાં વિદેશીદારુના ક્વાર્ટરિયા જણાયાં હતાં. પોલીસે તેની ગણતરી કરતાં તેની પાસેથી કુલ 9 હજારની મત્તાના 96 ક્વાટરિયા મળ્યાં હતાં. દારૂ અંગે પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, ભરૂચના બબુલ ઉર્ફે દિનેશ પાટણવાડિયાએ દારૂ મંગાવતાં તેણે દમણથી દારૂ ખરીદી તેને આપવા જઈ રહ્યો હતો.પોલીસ બબુલને વોન્ટેડ જાહેર કરી બન્નેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજીતરફ ભરૂચ એલસીબીની ટીમ તહેવારોને લઈને પ્રોહિબિશન ડ્રાઈવ હોઈ પેટ્રોલિંગમાં હતી. તે વેળાં એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઈન્દિરાનગર ઝુપડપટ્ટીમાં રહેતો દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયાએ તેના ઘરમાં વિદેશીદારનો જથ્થો સંતાડેલો છે. જેના પગલે ટીમે તેના ઘરે દરોડો પાડતાં તે ઘરમાં હાજર મળી આવ્યો ન હતો. જોકે, ટીમે તેના ઘરમાં તપાસ કરતાં તેના ઘરના દરવાજાની પાછળ એક કાળા કલરની પ્લાસ્ટીકની થેલીમાં કુલ 17 હજારની મત્તાની અલગ અલગ બાન્ડના દારૂની નાની મોટી 54 બોટલો મળી આવી હતી. પોલીસે તમામ મુદામાલ કબજે કરી બુટલેગર દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયાને વોન્ટેડ જાહેર કરી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદનોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
