માવા(મિઠાઈ) સપ્લાય કરતાં શખ્સે વાન ખરીદવા એક વર્ષથી બચત કરી રૂપિયા જમા કર્યા હતાં
। ભરૂચ ।
ભરૂચ તાલુકાના પાલેજ ગામે નિરાલા બજાર વિસ્તારમાં રહેતાં રાહુલ સુરેશચંદ્ર પાંડે ભરૂચ-અંકલેશ્વરમાં માવા(મીઠાઈ)નો સપ્લાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે ધંધાર્થે મારુસ્તીવાન લેવાની હોવાથી છેલ્લાં એક વર્ષથી બચત કરી રૂપિયા ભેગા કર્યાં હતાં. ઘરમાં તિજોરી ન હોવાને કારણે મોટા ભાગે તે તેમના કપડાંમાં જ બચતના રૂપિયા રાખતાં હતાં. દરમિયાનમાં કરજણ તાલુકાના અટાલી ગામે તેમના વતનમાં રહેતાં માતા-પિતા તેમજ ભાઈને ત્યાં તેઓ મહેમાન તરીકે ગત ૨૧મી માર્ચના રોજ ગયાં હતાં.
તેમણે તેમના બચતના રૂપિયા ૧.૭૦ લાખ દિવાલ પર લાગેલાં એંગલ પર લટકાવેલી પેન્ટમાં મુક્યાં હતાં. જયારે ઘર ખર્ચના બીજા ૧૫ હજાર રૂપિયા કાપડની સુટકેશમાં મુક્યાં હતાં. જે બાદ તેઓ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પાલેજ તેમનાઘરે આવ્યાં હતાં. તેમણે ઘરે આવી જોતાં મુખ્ય દરવાજાને મારેલું તાળું તુટેલું જણાતાં અંદર જઈ તપાસ કરતાં તમામ સામાન વેરવિખેર પડેલો હોવાનું તેમજ તેમના બચત કરેલાં કુલ રોકડાં રુપિયા ૧.૮૫ લાખની ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. ચોરીના કારસામાં કોઈ જાણભેદુએ ચોરી કરી હોવાની શંકા હોઈ તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ કરવા સાથે આજૂબાજુની દુકાનોના સીસીટીવી ફૂટેજ સહિતની વિગતોની તપાસ કરી હતી. જોકે, તેમને કોઈ સગડ નહીં મળતાં આખરે તેમણે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
