ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત, ભંગ કરનાર સામે જપ્તી અને સજાની ચેતવણી
ભરૂચ:
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ–૨૦૨૬ જાહેર થતાં જ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. તેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં કેબલ ટીવી અને ન્યૂઝ ચેનલ મારફતે પ્રસારિત થતી ચૂંટણીલક્ષી જાહેરાતોને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
જાહેર કરવામાં આવેલી સૂચનાઓ મુજબ, કેબલ ટીવી નેટવર્ક રેગ્યુલેશન એક્ટ–1995ની જોગવાઈઓ હેઠળ કોઈપણ વ્યક્તિ ચૂંટણી સંબંધિત જાહેરાત કેબલ સેવા દ્વારા પ્રસારિત કરી શકશે નહીં, જો સુધી યોગ્ય સત્તાધિકારીની મંજૂરી મેળવવામાં ન આવે.
મંજૂરી લેવી ફરજિયાત
કોઈપણ ઉમેદવાર, રાજકીય પક્ષ અથવા વ્યક્તિ જો કેબલ ટીવી અથવા ન્યૂઝ ચેનલ મારફતે ચૂંટણી પ્રચારની જાહેરાત કરવા ઇચ્છે, તો તેમને નિયત નમૂનામાં અરજી જિલ્લા મેજિસ્ટ્રેટ તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કરવી ફરજિયાત રહેશે.
અરજી માટે સમયમર્યાદા
માન્ય રાજકીય પક્ષો અથવા ઉમેદવારો માટે જાહેરાત પ્રસારણ પહેલાં ઓછામાં ઓછા 3 દિવસ અગાઉ અરજી કરવી પડશે.
અન્ય વ્યક્તિઓ માટે આ સમયમર્યાદા 7 દિવસ રાખવામાં આવી છે.
લેખિત મંજૂરી બાદ જ પ્રસારણ
જાહેરાતનું પ્રસારણ અથવા પુનઃપ્રસારણ માત્ર અધિકૃત અધિકારીની લેખિત મંજૂરી મળ્યા બાદ જ કરી શકાશે.
નિયમ ભંગે કડક કાર્યવાહી
આ સૂચનાઓનો ભંગ કરનાર સામે કેબલ ટીવી નેટવર્ક રેગ્યુલેશન એક્ટ–1995 હેઠળ કડક પગલાં લેવામાં આવશે. જેમાં પ્રસારણ સાધનો જપ્ત કરવાના તેમજ 2 વર્ષ સુધીની સજા અથવા રૂ. 1000 સુધીનો દંડ અથવા બંને સજાનો સમાવેશ થાય છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે ચૂંટણી દરમિયાન તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવું ફરજિયાત છે અને ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
