Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લામાં 26 એપ્રિલ 2026ના રોજ મતદાન 1086522 મતદારોનું ભાવિ નક્કી કરશે

Share

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026ને લઈ ભરૂચ જિલ્લામાં તંત્ર સજ્જ, આચારસંહિતાનો કડક અમલ શરૂ
26 એપ્રિલે મતદાન, 28 એપ્રિલે મતગણતરી; 11 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની મુદત
ચૂંટણી અધિકારીઓની નિમણૂક પૂર્ણ, તાલીમ અને તૈયારીઓ વેગવંતી
ભરૂચ  :
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026ના કાર્યક્રમની જાહેરાત થતા ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણી તૈયારીઓમાં સંપૂર્ણ રીતે જોડાયું છે.
જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક પૂર્ણ કરી દેવામાં આવી છે. સાથે સાથે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે, જેથી ચૂંટણી નિષ્પક્ષ અને સુચારુ રીતે પૂર્ણ થઈ શકે.
પત્રકાર પરિષદમાં વિગતો આપતા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે જિલ્લામાં 26 એપ્રિલ 2026ના રોજ મતદાન યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી કરવામાં આવશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. 13 એપ્રિલે ફોર્મોની ચકાસણી થશે અને 15 એપ્રિલ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. જરૂરી જણાય તો 27 એપ્રિલનો દિવસ પુનઃ મતદાન માટે અનામત રાખવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે જિલ્લા પંચાયત માટે 34 બેઠકો અને તાલુકા પંચાયત માટે 182 બેઠકો પર ચૂંટણી યોજાશે. સમગ્ર જિલ્લામાં કુલ 1134 મતદાન મથકો રહેશે. કુલ 8,67,518 મતદારોમાં 4,43,966 પુરુષ, 4,23,533 સ્ત્રી અને 19 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
નગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકાના કુલ 33 વોર્ડમાં ચૂંટણી યોજાશે. આ માટે 219 મતદાન મથકો નક્કી કરાયા છે. નગરપાલિકા વિસ્તારોમાં કુલ 2,19,004 મતદારો નોંધાયેલા છે, જેમાં 1,10,653 પુરુષ, 1,08,332 સ્ત્રી અને 19 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
લોકશાહી મહાપર્વમાં વધુમાં વધુ મતદારો ભાગ લે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે, જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણ થાય.

Share

Related posts

ભરૂચ પેરોલ ફ્લો સ્કોડે મારામારીનાં ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એમ્બુલન્સ ન મળતા છેવટે મૃતદેહ રિક્ષામાં લઈ જવાની ફરજ પડી.

ProudOfGujarat

મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સૂથારને રાજ્યકક્ષાના પ્રધાન બનાવતા સમર્થકોમાં ખુશી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!