ભરૂચ :
ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના આવનારા જન્મોત્સવને આવકારવા શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉજવણીના પ્રારંભે રવિવાર, તા. 12 એપ્રિલના રોજ સંગઠનના મુખ્ય કાર્યાલય ખાતે ‘આધ્યા કન્સલ્ટન્સી’ના સહયોગથી ‘ભગવાન શ્રી પરશુરામ રોજગાર યોજના’નો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ આપનાર ‘બ્રહ્મરત્નો’નું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત મહાનુભાવોમાં ભરૂચ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. વિનોદભાઈ ઉપાધ્યાય, સંગીત ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા દેવેશભાઈ દવે તેમજ રક્તદાન ક્ષેત્રે સેવાઓ આપનાર ધર્મેન્દ્રભાઈ પટેલનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશભાઈ પુરોહિત, રાજકુમાર દુબે, અમરીશભાઈ દવે તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, યુવા પ્રમુખ હેમલ દવે સહિત અગ્રણીઓ ધર્મેશભાઈ અને જયેશભાઈ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા.
સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે આગામી તા. 15 એપ્રિલ, બુધવારના રોજ સોનેરી મહેલ સ્થિત ડો. ગંગુબેન હડકર હાઈસ્કૂલના સહયોગથી સવારે 10:00 વાગ્યે નિઃશુલ્ક ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 19 એપ્રિલ સુધી ઉજવાતા આ જન્મોત્સવ દરમિયાન જિલ્લામાં ભક્તિ અને સેવાભાવનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે.
