ભરૂચ: જિલ્લા તિજોરી કચેરી દ્વારા પેન્શન મેળવતા તમામ પેન્શનરો તથા કુટુંબ પેન્શનરોને વાર્ષિક હયાતીની ખરાઈ (Life Certificate) સમયસર કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
નાણા વિભાગના તા. 17-09-2012ના ઠરાવ મુજબ ગુજરાત રાજ્ય તિજોરી નિયમો-2000ના નિયમ 272 મુજબ દર વર્ષે મે માસમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે. જો કોઈ પેન્શનર મે માસ દરમિયાન ખરાઈ ન કરાવી શકે તો તેમને જુલાઇ માસ સુધી સમયમર્યાદા આપવામાં આવે છે.
જો જુલાઈ માસ સુધીમાં પણ હયાતીની ખરાઈ કરવામાં ન આવે તો આવા પેન્શનરોને ઓગષ્ટ માસથી પેન્શન ચુકવણું સ્થગિત કરવામાં આવશે.
પેન્શનરો તેમના બેંક ખાતે રૂબરૂ જઈને હયાતીની ખરાઈ કરાવી શકે છે. ઉપરાંત, વૃદ્ધ પેન્શનરોને સુવિધા મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા ભારતીય ટપાલ વિભાગના કર્મચારીઓ દ્વારા ઘરે જઈને નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર (Digital Life Certificate) ચકાસણી કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
તે ઉપરાંત પેન્શનરો ઘરબેઠા પણ ઓનલાઈન હયાતીની ખરાઈ કરી શકે છે. તે માટે તેઓ Jeevan Pramaan Portal પર રજીસ્ટ્રેશન કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
આ સાથે પેન્શનરો Cyber Treasury Gujarat Portal પર જઈને પોતાના બેંક એકાઉન્ટ નંબરને Login ID અને PPO નંબરને પાસવર્ડ તરીકે ઉપયોગ કરીને વાર્ષિક આવકનું પત્રક પણ મેળવી શકે છે.
આ અંગેની તમામ વિગતો જિલ્લા તિજોરી અધિકારી, ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં આપવામાં આવી છે.
