વાગરાની વિલાયત ચોકડી પાસે આવેલા નાળા નજીક બનેલી દુર્ઘટના
ભરૂચ.
વાગરા તાલુકાના અરગામા ગામે નવી નગરી વિસ્તારમાં રહેતાં વિનોદ કમલેશ વસાવા ગત ૨૦મીએ સાંજના સમયે તેમના પિતા કમલેશ દેસાઈ વસાવા સાથે તેમની બાઈક પર વિલાયત ચોકડી પાસે સામાન ખરીદી કરવા માટે ગયાં હતાં. તેઓએ વિલાયત ચોકડી પર આવેલાં એક શોપિંગમાંથી સામાન લઈ ઘરે પરત આવવા માટે નિકળ્યાં હતાં.
દરમિયાનમાં થોડે દૂર આવેલાં નાળા પાસે પહોંચતાં એક કન્ટેઈનરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું કન્ટેઈનર હંકારી લાવી તેમની બાઈકને પાછળથી ટક્કર મારતાં પિતા-પુત્ર બન્ને રોડ પર ફંગોળાઈ ગયાં હતાં. દરમિયાનમાં તેમના પિતા પરથી કન્ટેઈનરનું ટાયર ફરી વળતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે કન્ટેઈનર ચાલક તેનું વાહન સ્થળ પર જ મુકી ભાગી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયાં હતાં. લોકોએ તેમના પિતાને બહાર કાઢી જોતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હોવાને કારણે તેમને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયાં હતાં. જયાંથી તેમને વધુ સારવાર માટે વડોદરા અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયાં હતાં. જયાંથી પરત ભરૂચ લાવતી વેળાં તેમનું મોત નીપજયું હતું. બનાવને પગલે વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
