ભરૂચ,
ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તાર નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામે આવેલ માધવ વિદ્યાપીઠ ખાતે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને 51 નવયુગલોને શુભકામનાઓ પાઠવી હતી.
વિશ્વબંધુ પરિવાર અને વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા “વિશ્વબંધુ પરિણય સંસ્કાર મહોત્સવ”માં વિવિધ સમાજના યુગલો એક જ મંડપમાં લગ્નગ્રંથીથી જોડાયા હતા, જેના કારણે સામાજિક સમરસતા અને સમાનતાનો સશક્ત સંદેશ પ્રસરી રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આવા સમૂહલગ્નોત્સવો સમાજમાં ભાઈચારો, એકતા અને સમાનતાની ભાવનાને મજબૂત બનાવે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ”ના મંત્રનો ઉલ્લેખ કરી વંચિત અને આદિજાતિ સમાજના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
તેમણે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી તથા જરૂરતમંદ પરિવારો માટે અમલમાં મુકાયેલ “કુંવરબાઈનું મામેરૂં” જેવી યોજનાઓનો ઉલ્લેખ કરી જણાવ્યું કે સરકાર ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન સમયે તેમની મદદ માટે સદૈવ તૈયાર છે.
મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ મહાનાયક બિરસા મુન્ડાની 150મી જન્મજયંતિના પ્રસંગે દેશભરમાં ઉજવણી થતી હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે આદિવાસી સમાજના ગૌરવ અને વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપેલા વિકસિત ભારતના નવ સંકલ્પોને જીવનમાં ઉતારવા મુખ્યમંત્રીશ્રીએ નવદંપતિઓને પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમમાં રાષ્ટ્રરૂષિ શશિભાનુ રાજયોગીજી, વિવિધ સામાજિક આગેવાનો, ટ્રસ્ટીઓ તેમજ મોટી સંખ્યામાં આદિજાતિ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.
