અંકલેશ્વર GIDC વિસ્તારમાં સ્કૂલમાં થયેલા સામાન્ય ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં ધોળા દિવસે બે વિદ્યાર્થિની બહેનો પર જાહેર રસ્તા પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. કારમાં આવેલા એક જ પરિવારના ચાર સભ્યોએ મોપેડ સવાર બંને બહેનોને રસ્તામાં અટકાવી બેટ અને ચપ્પલ વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
મળતી માહિતી મુજબ, અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા અને કેમિકલ ટ્રેડિંગનો વ્યવસાય કરતા મુકેશ સેંગરની પુત્રીઓ સંસ્કૃતિ અને આકૃતિ 15 જુલાઈના રોજ બપોરે એક્ટિવા પર ટ્યુશન જવા નીકળી હતી. તે દરમિયાન FDDI કોલેજ રોડ પર એક કારે તેમની એક્ટિવાને આંતરીને ઊભી રાખી હતી.
કારમાંથી ધોરણ-12માં સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિની પલ, તેના પિતા દેવ, માતા અને દાદી નીચે ઉતર્યા હતા. ફરિયાદ મુજબ, “તું અમારી દીકરી સાથે કેમ ઝઘડો કરે છે?” તેમ કહી બંને બહેનો સાથે ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ ઝપાઝપી દરમિયાન પિતા દેવે કારમાંથી બેટ કાઢીને પુત્રી પલને આપ્યું હતું, જેના બાદ બેટ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાથે જ પલની માતા અને દાદીએ પણ બંને બહેનોને ચપ્પલ વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
જાહેર રસ્તા પર ચાલેલા આ હંગામાને જોઈ સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. લોકો ભેગા થતાં હુમલાખોર પરિવાર બંને બહેનોને ધમકી આપીને કારમાં ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં બંને બહેનોના પિતા તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત પુત્રીઓને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડી હતી.
આ બનાવ અંગે ભોગ બનનાર પરિવાર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો. દરમિયાન અન્ય એક વિદ્યાર્થીના માતા-પિતા પણ આ જ પરિવાર સામે હુમલો અને ધમકીની ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
GIDC પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
