Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બે દિવસના ભારે વરસાદ બાદ ભરૂચના માર્ગોની પોલ ખુલી: શ્રવણ ચોકડીમાં મુખ્ય રસ્તા વચ્ચે ભુવો,

Share

 

ગેઇલ કોલોની રોડ પર ખાડાઓથી વાહનચાલકો પરેશાન, અનેક વાહનો ખાડામાં ફસાયાં

Advertisement

વરસાદી પાણી ઓસરતાં શહેરના અનેક માર્ગો બિસ્માર હાલતમાં, જોખમી સ્થળોએ તાત્કાલિક સમારકામની ઉઠી માંગ

ભરૂચ :
ભરૂચ જિલ્લામાં સતત બે દિવસ સુધી હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે વરસેલા ભારે વરસાદ બાદ શનિવારે મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે વરસાદ બંધ થતાં અને પાણી ઓસરતાં શહેરના માર્ગોની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે. શહેરના અનેક મુખ્ય માર્ગો પર ખાડાઓ, ધસી ગયેલા રસ્તા અને ભુવા પડવાના બનાવોએ માર્ગોની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પરિણામે વાહનચાલકોમાં અકસ્માતનો ભય વ્યાપી ગયો છે.

શહેરના સૌથી વ્યસ્ત ગણાતા શ્રવણ ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગની વચ્ચોવચ ભુવો પડતાં વાહનવ્યવહાર માટે ગંભીર જોખમ ઊભું થયું છે. આ માર્ગ પરથી દરરોજ હજારો નાના-મોટા વાહનો પસાર થતાં હોવાથી ભુવાના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોએ તંત્ર દ્વારા તાત્કાલિક બેરિકેડિંગ કરીને સમારકામ શરૂ કરવાની માંગ કરી છે.

બીજી તરફ ગેઇલ કોલોની રોડ પર વરસાદી પાણી ઓસરતાં માર્ગ પર પડેલા મોટા ખાડાઓની હારમાળા સામે આવી છે. માર્ગની બંને બાજુ વરસાદી પાણી ભરાયેલા હોવાથી કાંઠાનો અંદાજ ન આવતાં અનેક વાહનો પાણીમાં ફસાઈ જવાના બનાવો પણ બન્યા હતા. વાહનચાલકોને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડતાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે.

જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે માત્ર શહેર જ નહીં, પરંતુ અનેક મુખ્ય અને આંતરિક માર્ગો પણ ક્ષતિગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. વરસાદી પાણીના કારણે ડામર ધોવાઈ જવાથી અને માર્ગોની સપાટી બેસી જતાં ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે. જેના કારણે રોજિંદા મુસાફરો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોમાં માર્ગોની દયનીય હાલતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. વરસાદ થંભતાં જ તંત્ર દ્વારા પેચવર્ક અને રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરાઈ હોવા છતાં જોખમી સ્થળોએ ઝડપી અને ગુણવત્તાયુક્ત સમારકામ થાય તેવી માંગ ઉઠી રહી છે. નાગરિકોએ માર્ગોને તાત્કાલિક વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવવાની સાથે વરસાદી પાણીના નિકાલ માટે પણ અસરકારક આયોજન કરવાની માંગ કરી છે.


Share

Related posts

અંક્લેશ્વરમાં મહારાષ્ટ્ર પાસિંગની બે શંકાસ્પદ રિક્ષા સાથે મહિલા સહિત બે ઝડપાયાં, રૂ.1.03 લાખનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

કોરોનાના માહોલમાં જ્યારે કિન્નર સમાજના મોભીએ મૂસ્લિમ યુવતીને કહ્યૂ “અલ્લાને દુઆ કરજે કોરોના જતો રહે”

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પાંચ ગામોમાં સો ટકા રસીકરણ કરાયું…જાણો કયા કયા ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!