ભરૂચ :
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને પગલે ભરૂચ જિલ્લામાં નોંધાયેલા ભારેથી અતિ ભારે વરસાદે શહેરના જનજીવનને પ્રભાવિત કર્યું હતું. સતત વરસેલા વરસાદના કારણે ભરૂચ નગરપાલિકા વિસ્તારના અનેક નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો તેમજ રહેણાંક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે વરસાદ બંધ થતાં જ ભરૂચ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરને ઝડપથી પૂર્વવત્ સ્થિતિમાં લાવવા માટે વ્યાપક રિસ્ટોરેશન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ભારે વરસાદના કારણે પડેલા ખાડા અને ક્ષતિગ્રસ્ત બનેલા રસ્તાઓનું બ્લોક તેમજ વેટમિક્સ મટીરિયલનો ઉપયોગ કરીને તાત્કાલિક પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. વાહનવ્યવહારને સરળ અને સલામત બનાવવા માર્ગ સમારકામને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી સ્થળોએ તાત્કાલિક કામગીરીના સૂચનો આપવામાં આવ્યા છે.
ભારે વરસાદને પગલે શહેરની અનેક રહેણાંક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ઉમરાજ ગામની હદમાં આવેલી સોસાયટીઓ ઉપરાંત ઉમરાજ, નંદેલાવ તેમજ ભરૂચ શહેરની મળીને અંદાજે 15થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદ થંભ્યા બાદ નગરપાલિકા દ્વારા પમ્પિંગ મશીનોની મદદથી સોસાયટીઓમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામે અનેક વિસ્તારોમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે.
વરસાદી પાણી ઓસરતાં જ નગરપાલિકાના સેનિટેશન વિભાગની ટીમો પણ મેદાનમાં ઉતરી હતી. શહેરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તારો, જાહેર સ્થળો, ગટર લાઈનો તેમજ સોસાયટીઓમાં જમા થયેલા કચરા અને કાદવની સફાઈ હાથ ધરવામાં આવી હતી. સફાઈ કામગીરી પૂર્ણ થયા બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે બ્લીચિંગ પાવડર તથા જંતુનાશક દવાઓનો વ્યાપક છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથે જ વરસાદી પાણીના સરળ નિકાલ માટે ગટર અને ડ્રેનેજ લાઈનોની પણ સફાઈ કરવામાં આવી રહી છે.
નગરપાલિકા તંત્રના જણાવ્યા મુજબ, વરસાદથી અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં તબક્કાવાર રિસ્ટોરેશન કામગીરી ચાલુ રાખવામાં આવશે. જ્યાં માર્ગોને નુકસાન પહોંચ્યું છે અથવા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ત્યાં પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે, વાહનવ્યવહાર પૂર્વવત્ બને અને વરસાદ બાદ કોઈપણ પ્રકારનો રોગચાળો ફાટી ન નીકળે તે માટે નગરપાલિકાની વિવિધ શાખાઓ સતત કાર્યરત છે. વરસાદ બાદ શહેરમાં સામાન્ય સ્થિતિ ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે ભરૂચ નગરપાલિકાની ટીમો સતત મેદાનમાં રહી કામગીરી કરી રહી છે.
