ભરૂચ: ભરૂચ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની તેમજ ડ્રગ ઈન્સ્પેક્ટર સુરભી દેસાઈને રૂ.40 હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યા બાદ ગુજરાત ફાર્માસીસ્ટ એસોસિએશન દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સોમવારે ફુડ એન્ડ ડ્રગ્સ કચેરીની બહાર એસોસિએશનના કાર્યકરોએ કેક કાપી તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
ફુડ એન્ડ ડ્રગ્સ કચેરી બહાર એકત્ર થયેલા ફાર્માસિસ્ટ એસોસિએશનના કાર્યકરોએ ‘ભ્રષ્ટાચાર દૂર કરો’ સહિતના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. એસોસિએશનના આગેવાનોના જણાવ્યા મુજબ રાજ્યમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર ફાર્મસી લાઈસન્સના આધારે કાર્યરત છે. જોકે, કેટલાક અધિકારીઓ દ્વારા નિયમોના નામે હપ્તા વસૂલવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
એસોસિએશનના આગેવાનોએ જણાવ્યું હતું કે એસીબીની કાર્યવાહી બાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ચાલતા હોવાના આક્ષેપિત ભ્રષ્ટાચારની વધુ ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. માત્ર એકાદ અધિકારી સામે કાર્યવાહી કરવાથી ભ્રષ્ટાચારનો અંત આવશે નહીં.
જો વિભાગના અન્ય અધિકારીઓ કે કર્મચારીઓ પણ ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા હોય તો તેમની સામે પણ તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ફાર્માસિસ્ટો અને મેડિકલ સ્ટોર સંચાલકોને નિયમોના નામે કથિત રીતે હેરાનગતિ ન થાય અને પારદર્શક વહીવટ થાય તેવી પણ એસોસિએશન દ્વારા માગ ઉઠાવવામાં આવી હતી.
આ રીતે એસીબીની કાર્યવાહી બાદ ફાર્માસિસ્ટ એસોસિએશને ફુડ એન્ડ ડ્રગ્સ કચેરી બહાર કેક કાપી અને ફટાકડા ફોડી કરેલો વિરોધ ભરૂચમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
