ભરૂચ : ભરૂચ શહેરના પુષ્પમ બંગ્લોઝ, આશાપુરી સોસાયટી અને રચના નગર વિસ્તારના રહેવાસીઓએ 132 KV હાઈટેન્શન વીજ લાઈન નજીક મોબાઈલ ટાવરનું કામ ચાલી રહ્યું હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો છે. આ મામલે સ્થાનિક રહીશોએ ભરૂચના એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે.
રહેવાસીઓના જણાવ્યા મુજબ, રહેણાંક વિસ્તારની વચ્ચે તેમજ 132 KV હાઈટેન્શન વીજ લાઈન નજીક મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી ચાલી રહી છે. આ બાંધકામ માટે જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે નહીં તેમજ વીજ લાઈન અને રહેણાંક વિસ્તારને લગતા સલામતીના નિયમોનું પાલન થયું છે કે નહીં તેની તપાસ કરવા માંગ કરવામાં આવી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ હાઈટેન્શન વીજ લાઈન અને મોબાઈલ ટાવર નજીક હોવાથી વાવાઝોડા, શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ અકસ્માતની સ્થિતિમાં ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવાથી તકેદારી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
રહેવાસીઓએ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી, જો બાંધકામ નિયમવિરુદ્ધ જણાય તો કામગીરી અટકાવવા તેમજ રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોબાઈલ ટાવરને યોગ્ય અને સુરક્ષિત સ્થળે ખસેડવા કાર્યવાહી કરવાની માંગ કરી છે. રહેવાસીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે રહેણાંક વિસ્તારની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું જોખમ સ્વીકારવામાં આવશે નહીં.
