ભરૂચ :
ભરૂચમાં વીજબીલના સેટલમેન્ટના બહાને એક રિક્ષાચાલક પાસેથી વીજકર્મીએ રૂ.66,827 રોકડા મેળવી લીધા બાદ બિલ ભર્યું જ નહીં હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મીટરનું કનેક્શન કાપવા બીજી વીજકર્મીઓની ટીમ ઘરે પહોંચતાં સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે રિક્ષાચાલકે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વલંદા-કોઠી રોડ વિસ્તારમાં રહેતા પંકજ ભીખા કાયસ્થ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જાન્યુઆરી દરમિયાન વીજ કંપનીની ચેકિંગ ટીમ તેમના ઘરે પહોંચી હતી. ટીમે પંકજના પિતા ભીખાભાઈ છોટાલાલ કાયસ્થના નામે રહેલા વીજ મીટરનું રૂ.66,827થી વધુનું બિલ બાકી હોવાનું જણાવી વીજ જોડાણ કાપવાની કાર્યવાહી અંગે જાણ કરી હતી.
અગાઉ વધુ બિલ આવ્યું ત્યારે અંકુર માછીએ સેટલમેન્ટ કરાવી આપ્યું હોવાથી પંકજને તેના પર વિશ્વાસ હતો. જેથી પાંચબત્તી સ્થિત વીજ કચેરીએ બિલ ભરવા પહોંચ્યા હતા. ત્યાં અંકુરે તેમને બારી પર પૈસા ભરવાની જરૂર નથી તેમ કહી, ‘મને રૂપિયા આપી દો, હું બિલ ભરી રસીદ આપી દઈશ’ કહી રૂ.66,827 રોકડા મેળવી લીધા હતા.
બીજા દિવસે રસીદ ન મળતાં પંકજે ફોન કરતાં અંકુરે વાયદા કરી સમય પસાર કર્યો હતો. દરમિયાન વીજ જોડાણ કાપવા બીજી ટીમ ઘરે આવતા બિલ ભરાયું જ ન હોવાનું ખુલ્યું હતું. પંકજે અંકુરનો સંપર્ક કરતાં તેણે રૂપિયા વપરાઈ ગયા હોવાનું કબૂલી થોડા-થોડા કરીને પરત આપવાની વાત કરી હતી. લાંબો સમય વીતી જવા છતાં રૂપિયા પરત ન મળતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
