ભરૂચ : ભરૂચ શહેરમાં 11 દિવસના ગણેશ મહોત્સવના સમાપન સાથે અનંત ચતુર્દશીના દિવસે શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે નગર સેવા સદન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના નર્મદા નદીમાં વિસર્જનથી થતા જળપ્રદૂષણને અટકાવવાના હેતુથી શહેરમાં ત્રણ સ્થળે કૃત્રિમ જળકુંડ તૈયાર કરવામાં આવ્યા હતા.
નગર સેવા સદન દ્વારા શક્તિનાથ નજીક જે.બી. મોદી પાર્ક, મકતમપુર તેમજ ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે કૃત્રિમ જળકુંડ બનાવવામાં આવ્યા હતા. અનંત ચતુર્દશીના દિવસે ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસેના કુંડ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ઉપપ્રમુખ રચિતા મોદી, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન પ્રગ્નેશ પટેલ અને પાલિકા સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આગેવાનોની ઉપસ્થિતિમાં પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગંગા, નર્મદા, તાપી, મહીસાગર અને સરસ્વતી નદીનું પવિત્ર જળ લાવી ત્રણેય કૃત્રિમ જળકુંડના વધામણા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભક્તો દ્વારા લાવવામાં આવેલી ગણેશ પ્રતિમાઓનું વિધિવત્ રીતે કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
નર્મદા નદીનું પાણી પ્રદૂષિત ન થાય અને પર્યાવરણનું જતન થાય તે હેતુથી ભક્તોએ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવા ધારાસભ્ય તથા પાલિકા પ્રમુખે અપીલ કરી હતી.
દરમિયાન ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
