ભરૂચ :
અંકલેશ્વર રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં ઊંઘી ગયેલા મજૂરના પેન્ટના ખિસ્સામાંથી અજાણ્યો શખ્સ રૂ.35 હજારની કિંમતનો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી છે. બનાવ અંગે અંકલેશ્વર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં પ્રમુખ પાર્કમાં રહેતા 26 વર્ષીય જીતેન્દ્ર જર્નાદન યાદવ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.21 સપ્ટેમ્બરના રોજ સાંજે તેઓ રિઝર્વેશન ટિકિટ લેવા અંકલેશ્વર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. સાંજે આશરે 6:30 વાગ્યે ટિકિટ બારી પાસે મુસાફરોની લાંબી લાઇન હોવાથી તેઓ લાઇનમાંથી બહાર નીકળી મુસાફરખાનામાં બેસી ગયા હતા.
દરમિયાન મુસાફરોની ભીડ ઓછી થવાની રાહ જોતા આશરે રાત્રે 7:30 વાગ્યે તેમને મુસાફરખાનામાં જ ઊંઘ આવી ગઈ હતી. આશરે રાત્રે 9:30 વાગ્યે ઊંઘમાંથી જાગ્યા બાદ તેમણે પોતાના પેન્ટના આગળના ખિસ્સામાં મોબાઈલ ફોન તપાસ્યો હતો. જોકે, મોબાઈલ ફોન ખિસ્સામાંથી ગાયબ જણાયો હતો. ચોરી થયેલો મોબાઈલ Samsung S22 Ultra મોડલનો, બ્લેક કલરનો અને આશરે રૂ.35,000ની કિંમતનો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મોબાઈલમાં જીઓ કંપનીનું સિમકાર્ડ પણ હતું. ફરિયાદી મુજબ, અજાણ્યો શખ્સ તેમની ઊંઘનો લાભ લઈ મુસાફરખાનામાંથી મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસ દ્વારા અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધી મોબાઈલ ફોન શોધવા તથા આરોપીની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.
