ભરૂચ : ભરૂચ રેલવે સ્ટેશનના યાર્ડ વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવી જતાં આશરે ૩૫ વર્ષના અજાણ્યા યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકના વાલીવારસ મળી ન આવતાં ભરૂચ રેલવે પોલીસે તેની ઓળખ અને પરિવારજનોની શોધખોળ માટેની કવાયત હાથ ધરી છે.
ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બનાવની વિગતો મુજબ તા. ૨૩ જુલાઈ ૨૦૨૬ના રાત્રે ૧૧:૪૫ વાગ્યાના અરસામાં ભરૂચ રેલવે સ્ટેશનની ઉત્તરે આવેલા રેલવે યાર્ડમાં ડાઉન કિલોમીટર નં. ૩૨૬/૧૬-૧૮ વચ્ચે ડાઉન રેલવે લાઇન પર એક અજાણ્યો પુરુષ ટ્રેનની અડફેટે આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ ટ્રેન નં. ૧૨૯૫૫ મુંબઈ સેન્ટ્રલ-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસના એન્જિનની આગળ પાટા પર આવી જતાં યુવકને માથાના ભાગે તેમજ ડાબા હાથે ગંભીર ઇજાઓ થઈ હતી, જેના પગલે તેનું મોત નીપજ્યું હતું.
મૃતકની ઉંમર આશરે ૩૫ વર્ષ, શરીર મજબૂત બાંધાનો, ઊંચાઈ આશરે ૫ ફૂટ ૪ ઇંચ અને રંગ ઘઉં વર્ણનો હોવાનું પોલીસે જણાવ્યું છે. તેના પેટના ભાગે કાળા તલનું નિશાન છે. મૃતકના શરીર પર કાળા તથા મહેંદી કલરની ઊભી લાઇનિંગવાળું અડધી બાંયનું ટી-શર્ટ, કમરમાં બદામી કલરનો કોટનનો બોક્સર તથા પગમાં કાળા કલરના ચંપલ હતાં.
મૃતકના કોઈ વાલીવારસ મળી આવ્યા નથી. જેથી ભરૂચ રેલવે પોલીસે ઉપરોક્ત વર્ણનના આધારે મૃતકને ઓળખી શકતા હોય અથવા તેના પરિવારજનો અંગે કોઈ માહિતી ધરાવતા નાગરિકોને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરી છે.
