ભરૂચ:
ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી અર્બુદાનગર-૨ સોસાયટીમાં ઘરની સફાઈનું પાણી રોડ પર જવા મુદ્દે પાડોશીઓ વચ્ચે થયેલો વિવાદ મારામારી સુધી પહોંચ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વિડીયોકોન કંપનીમાંથી નિવૃત્ત થયેલા ૬૧ વર્ષીય અશોકકુમાર તુલશીદાસ મિસ્ત્રીએ પાડોશમાં રહેતા પિતા-પુત્ર સામે માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
Advertisement
ફરિયાદ મુજબ, ગત ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે આશરે ૯:૧૫ વાગ્યે અશોકકુમાર મિસ્ત્રી પોતાના ઘરના આંગણામાં સાફ-સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન સફાઈનું પાણી ઘરની બહાર રોડ પર જતાં તેમની સામેના મકાન નંબર બી-૫૮માં રહેતા રોહિતભાઈ મણીલાલ રાણા અને તેમના પુત્ર જયમીન ઉશ્કેરાઈ ગયા હતા. બંનેએ પાણી રોડ પર ન ઢોળવા અગાઉ પણ અનેક વખત કહ્યું હોવાનું જણાવી ગાળો આપવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
અશોકકુમારે ગાળો ન બોલવા જણાવતાં બંનેએ તેમની પાસે આવી ઢીકાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ છે. બૂમાબૂમ થતાં બાજુમાં રહેતા શાંતિભાઈ કથીરિયા સહિત સોસાયટીના અન્ય લોકો દોડી આવ્યા હતા અને તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, જતા સમયે પિતા-પુત્રએ ફરી રોડ પર પાણી આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારામારીમાં અશોકકુમારને બંને ખભા તેમજ ડાબા કાન પાછળ ઈજાઓ થઈ હતી. તેમણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ બીજા દિવસે ડાબા ખભામાં દુખાવો વધતાં રિદ્ધિ હોસ્પિટલમાં વધુ સારવાર કરાવી હતી.
દુખાવો ઓછો થયા બાદ તેમણે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
