ભરૂચ :
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલા ગવર્મેન્ટ ક્વાર્ટર્સમાં અંદાજે પાંચ ફૂટ લાંબો ધામણ સાપ મળી આવતાં સ્થાનિકોમાં કુતૂહલ સાથે દોડધામ મચી ગઈ હતી. સરકારી ક્વાર્ટર્સના પરિસરમાં સાપ દેખાતાં સ્થાનિકોએ તાત્કાલિક વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટનો સંપર્ક કરી સાપને સુરક્ષિત રીતે પકડી લેવા મદદ માંગી હતી.
માહિતી મળતાં જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના સભ્ય મુકેશ વસાવા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે સ્થળ પર પહોંચીને સાપનું નિરીક્ષણ કરતાં તે બિનઝેરી ધામણ પ્રજાતિનો હોવાનું જાણવા મળ્યું હતું. અંદાજે પાંચ ફૂટ લાંબા આ સાપને જોવા માટે આસપાસના લોકો પણ એકત્રિત થયા હતા.
સાપને કોઈ નુકસાન ન પહોંચે અને સ્થાનિકોની સુરક્ષા પણ જળવાઈ રહે તે હેતુથી મુકેશ વસાવાએ ભારે તકેદારી અને સાવચેતી સાથે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. અંતે સાપને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ વનવિભાગના માર્ગદર્શન હેઠળ ધામણ સાપને તેના કુદરતી રહેઠાણને અનુકૂળ સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમની સમયસરની કામગીરીને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ધામણ બિનઝેરી સાપ છે અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેથી આવા સાપ દેખાય ત્યારે તેને મારવાને બદલે રેસ્ક્યુ ટીમને જાણ કરવી જોઈએ.
