ભરૂચ :
દિવાળીના તહેવાર દરમિયાન જુગાર અને પ્રોહિબિશન જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે. ત્યારે પાલેજ પોલીસને સિમલીયા અને કિશનાડ ગામ વચ્ચે આવેલી વાડીમાં બાવળનાં ઝાડ નીચે ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં સફળતા મળી હતી. પોલીસે સ્થળ પરથી ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય પાંચ શખ્સો ઝાડીનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે રોકડ રકમ, બે મોબાઇલ ફોન અને એક મોટરસાઇકલ સહિત કુલ રૂ.81,460નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચનાથી પોલીસની ટીમ દિવાળી પર્વ નિમિત્તે જુગાર અને પ્રોહિબિશનના કેસો શોધવા ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન સિમલીયા બસ સ્ટેન્ડ નજીક પહોંચતાં એએસઆઈ કેવલગીરી ઝવેરગરને બાતમી મળી હતી કે સિમલીયા અને કિશનાડ ગામ વચ્ચે આવેલી વાડીમાં બાવળનાં ઝાડ નીચે કેટલાક શખ્સો ગંજીપાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી અલગ અલગ ટીમો બનાવી વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પોલીસની ટીમે સ્થળને કોર્ડન કરતાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાઈ ગયા હતા, જ્યારે અન્ય પાંચ શખ્સો ખુલ્લી ઝાડીનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.
પોલીસે સ્થળ પરથી ઝડપાયેલા પાલેજના અસ્ફાકખાન મલંગખાન પઠાણ (ઉં.વ.23), વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાંસરોદના સિકંદર ઉર્ફે શાહરૂખ યુનુશ વોરા પટેલ (ઉં.વ.42) અને સાંસરોદના અયાનખાન અયુબખાન પઠાણ (ઉં.વ.26)ની અંગઝડતી કરતાં અનુક્રમે રૂ.3,750, રૂ.3,500 અને રૂ.2,600 મળી કુલ રૂ.9,850 રોકડા મળી આવ્યા હતા.
આ ઉપરાંત સ્થળ પર પાથરેલા પ્લાસ્ટિકના પાથરણા પરથી દાવ પરના રૂ.1,610 અને ગંજીપાનાનાં 52 પત્તાં તેમજ ત્રણ સીલપેક કેટ મળી આવ્યા હતા. પોલીસે બે મોબાઇલ ફોનની કિંમત રૂ.20 હજાર અને બાજુમાં પાર્ક કરેલી સિકંદરની માલિકીની હોન્ડા એસપી શાઇન મોટરસાઇકલ નંબર GJ-06-QF-7786ની કિંમત રૂ.50 હજાર આંકી હતી.
આમ, પોલીસે રોકડ રૂ.11,460, બે મોબાઇલ ફોન અને મોટરસાઇકલ મળી કુલ રૂ.81,460નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ફરાર થયેલા આયત પઠાણ, અનિસ સૈયદ, નાજીબ શોકત સૈયદ, વિપુલ ઉર્ફે ભંડારી વસંતભાઈ ગોહિલ અને આશિફ યાકુબ મલેકનાં નામ સામે આવ્યાં હતાં. જુગારની રમતનું નાલ-પેટનું નાણું આયત પઠાણ ઉઘરાવતો હોવાની પણ વિગતો બહાર આવી હતી.
પાલેજ પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ તેમજ ફરાર પાંચ શખ્સો વિરુદ્ધ જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
