ભરૂચ :
ભરૂચ તાલુકાના કાસદ ગામમાં સરકારી કાંસના ખોદકામને લઈને વિવાદ વકર્યો છે. કાસદ અને મહુધલા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ ખોદકામમાં મંજૂરીની શરતોનો ભંગ થયો હોવાનો આક્ષેપ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. માત્ર 1.5 મીટરની મંજૂરી સામે પાંચ મીટરથી વધુ ઊંડું ખોદકામ કરવામાં આવતું હોવાની સાથે કાંસમાંથી નીકળતી પીળી માટીના વેચાણમાં પણ ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
ખેડૂતોના આક્ષેપ મુજબ, સરકારી કાંસમાં 1.5 મીટરની ઊંડાઈ સુધી ખોદકામની મંજૂરી હોવા છતાં પાંચ મીટરથી વધુ ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું છે. કાંસમાંથી નીકળતી પીળી માટી પ્રતિ ડમ્પર રૂ.10 હજારમાં વેચાતી હોવાની અને અત્યાર સુધીમાં એક હજારથી વધુ ડમ્પર માટીનું પરિવહન થયું હોવાની રજૂઆત કરવામાં આવી છે. આથી માટીના કુલ જથ્થા, વેચાણની આવક અને સરકારી રોયલ્ટીની વસૂલાત અંગે તપાસ કરવાની માંગ ઉઠી છે.
વધુ પડતા ખોદકામના કારણે આસપાસની ફળદ્રુપ ખેતીની જમીનને નુકસાન થવાની તેમજ જમીનનું ધોવાણ થવાની ભીતિ પણ ખેડૂતોએ વ્યક્ત કરી છે. ખેડૂતોએ ખોદકામ તાત્કાલિક અટકાવી મામલતદાર, ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓ અને સંબંધિત વિભાગોની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ તપાસ કરવાની માંગ કરી છે. ખેડૂતોની હાજરીમાં ખોદકામની ઊંડાઈની માપણી, પંચનામું તથા મંજૂરીના દસ્તાવેજોની ચકાસણી કરવાની પણ રજૂઆત કરાઈ છે.
બીજી તરફ કાસદ ગામના સરપંચ ઈમરામ પટેલે ખેડૂતોના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ગ્રામ પંચાયતના ઠરાવ બાદ ખાણ-ખનિજ વિભાગ અને મામલતદારની કાયદેસરની મંજૂરી મેળવીને જ ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગામમાં વરસાદી પાણી ભરાવાની, ગટર ચોકઅપ થવાની તેમજ ખેડૂતોનાં ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે કાંસનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ખાણ-ખનિજ વિભાગ દ્વારા સ્થળ તપાસ અને માપણી પણ કરવામાં આવી હોવાનું સરપંચે જણાવ્યું હતું.
આમ, એક તરફ ખેડૂતો દ્વારા ખોદકામની ઊંડાઈ અને પીળી માટીના વેચાણ અંગે તપાસની માંગ કરવામાં આવી છે, તો બીજી તરફ સરપંચે કામગીરી નિયમોનુસાર થતી હોવાનો દાવો કર્યો છે. હવે જિલ્લા તંત્રની તપાસમાં સમગ્ર મામલે શું હકીકત બહાર આવે છે તેના પર સૌની નજર છે.
