ભરૂચના જંબુસર બાયપાસ રોડ પર ખુબેબ પાર્ક -1 માં બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ રોડ પર જિન્નત બંગ્લોઝની સામે આવેલાં ખુબેબ પાર્ક-1 ખાતે રહેતાં ઇકબાલ ગફુર શેખ ટેલરિંગનું કામ કરે છે. તેઓ તેમના પરિવાર સાથે ઇદના તહેવાર નિમિત્તે તેમના સાળાને ત્યાં ગયાં હતાં. દરમિયાનમાં ગત સોમવારે તેઓ રાત્રીના પોણા નવેક વાગ્યાના અરસામાં ઘરે પરત આવતાં તેમણે જોયું તો તેમના મુખ્ય દરવાજાને મારેલું તાળું તુટેલું હતું અને દરવાજો ખુલ્લો હતો. જેથી તેમણે ઘરમાં જઇ જોતાં ઘરમાં તમામ સામાન અસ્તવ્યસ્ત હોવા સાથે તિજોરીનું લોક પણ તુટેલું જણાયું હતું. તેમણે તેમનો સામાન તપાસ કરતાં ઘરમાંથી સોનાની એક વિંટી, એક જોડ સોનાની બુટ્ટી, સોનાની બે જળ, સોનાનો એક સેટ, સોનાની બે જોડ બુટ્ટી સહિત કુલ 1.68 લાખથી વધુના દાગીનાની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. તેમણે બનાવને પગલે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
