સંદીપ માંગરોળાની જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ
ભરૂચ.
અંકલેશ્વર-વલિયા-નેત્રંગ રાજય ધોરીમાર્ગ નં. 13 પર પ્રથમ વરસાદે જ માર્ગની હાલત દયનીય બનાવી દીધી છે. શિવાલય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી દ્વારા કરવામાં આવેલ પુનઃનિર્માણ કાર્ય પહેલા વરસાદે જ ઢળી પડ્યું છે. રસ્તા પર પડેલા ખાડા દિલના આકારમાં જોવા મળે છે, પરંતુ જો કોઈ આ ખાડામાં પડી જાય તો સાચા અર્થમાં તેનું દિલ બંધ થઈ શકે છે.
સંદીપ માંગરોલા દ્વારા અગાઉ આ મામલે દર્શાવેલી આશંકા હવે હકીકતમાં ફેરવાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા કામની ખાતરી કે ખરાઈ કરવામાં આવી નથી, પરંતુ કોગ્રેસ દ્વારા તો પહેલેથી જ ચીમકી આપી હતી કે આ કાર્ય ભ્રષ્ટાચારયુક્ત છે. આજની સ્થિતિ એ સાબિત કરે છે કે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતથી પ્રજાના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યાં છે.
અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતા, પ્રશ્ન ઉઠે છે કે રસ્તા પર પડેલા ખાડામાં દુર્ઘટનાગ્રસ્ત થનારા વાહનચાલકોની જવાબદારી કોણ લેશે? શું તંત્ર હવે પણ સૂતેલું રહેશે?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાત્કાલિક માગ કરી છે કે: • શિવાલય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે • માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવે • ભવિષ્યમાં આવી ભ્રષ્ટાચાર યુક્ત કામગીરી ફરીથી ના થાય તે માટે કડક મોનીટરીંગ સિસ્ટમ ઉભી કરવામાં આવે
