સુવા ગામના શખ્સે કામોના ઠરાવ માંગતી આરટીઆઇ કરી હતી
ભરૂચ.
વાગરા તાલુકામાં આવેલાં સુવા ગામના શખ્સે વર્ષ 2024માં ઓક્ટોબર મહિનામાં ગ્રામ પંચાયતમાં થયેલાં પાંચ વર્ષના કામોના ઠરાવોની વિગતો માંગતી આરટીઆઇની અરજી કરી હતી. જોકે, ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયત દ્વારા મામલામાં કોઇ યોગ્ય પ્રત્યુત્તર નહીં આપતાં આખરે તેમણે રાજ્ય માહિતી કમિશ્નર ગાંધીનગર ખાતે ઘા કરતાં ત્યાં તેમના અરજીને લઇને સુનાવણી થઇ હતી. જેમાં તેમણે ગ્રામપંચાયત તેમજ તાલુકા પંચાયતને આરટીઆઇની માહિતી આપવા માટે હુકમ કર્યો છે.
વાગરા તાલુકામાં આવેલાં સુવા ગામે રહેતાં સંજય હરિભાઇ ગોહિલે વર્ષ 2024માં ઓક્ટોબર મહિનમાં આરટીઆઇ કરી હતી. જેમાં તેમણે ગ્રામ પંચાયતમાં છેલ્લાં પાંચ વર્ષોમાં થયેલાં તમામ કામોના ઠરાવોની નકલ માંગી હતી. જોકે, તેમને આપવામાં આવેલી માહિતી ખોટી, અધૂરી તેમજ ગેરમાર્ગે દોરનારી હોવાથી તેમજ તેમની પ્રથમ અપિલ અધિકારી દ્વારા નિર્ણયથી તેઓ નારાજ હોવાથી તેમણે બીજી અપીલ અરજી ગાંધીનગરમાં ગુજરાત માહિતી આયોગમાં રાજ્ય માહિતી કમિશ્નર સમક્ષ કરી હતી. જેની સુનાવણી થઇ હતી. જેમાં આયોગે ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી તેમજ ટીડીઓને તેમની અરજીના અનુસંધાને તેમને જરૂરી માહિતી આપવામાં આવે તેવો હુકમ કર્યો હતો.
નોંધનિય છે કે, તલાટી કમ મંત્રી દ્વારા તેમણે માંગેલી માહિતી અંદાજે 3500 પાનાની હોવાથી તેમને રેકર્ડ નિરિક્ષણ માટે બોલાવ્યાં હતાં પરંતુ તેઓ આવ્યાં ન હોવાની કેફિયત રજૂ કરી હતી. જોકે, અરજદાર સંજય ગોહિલે જણાવ્યું હતું કે, તેમને રેકર્ડ નિરીક્ષણ માટે કોઇ પત્ર મળ્યો ન હોવાથી તેઓ રેકર્ડ નિરીક્ષણ માટે ગયાં ન હતાં. બીજી તરફ સુનાવણીમાં આયોગે કરેલાં હુકમમાં નોંધ્યુ છે કે, સંજય ગોહિલની અરજીને લઇને તેમને રેકર્ડ નિરીક્ષણ કરવા માટે અગાઉથી ચોક્કસ તારીખ, સમય અને સ્થળની માહિતી આરપીએડીથી જાણ કરવા સાથે રેકર્ડના નિરીક્ષણ દરમિયાન તેમને તે માહિતી પૈકીની જે નકલ જોઇતી હોય તેની માહિતી 200 પાનાની મર્યાદામાં વિના મુલ્યે પુરી પાડવામાં આવે. આ મામલે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જયદિપસિંહ બી. ખેરનો તેમના મોબાઇલ નંબર 8160322268 પર સંપર્ક કર્યો હતો. જોકે, તેમણે મામલામાં પછી વાત કરવાનું જણાવી ફોન કાપી નાંખ્યો હતો.
———
બોક્ષ : તલાટી વિગતો આપવામાં બહાના કરે છે.
વર્ષ 2024ના ઓક્ટોબરમાં અમે ગ્રામ પંચાયતમાં થયેલાં પાંચ વર્ષના કામોના ઠરાવોની વિગતો માંગતી આરટીઆઇ અરજી કરી હતી. જેને આજે 9 મહિનાથી વધુનો સમય વિતી ગયો હોવા છતાં અમને તેની વિગતો અપાઇ નથી. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા અમને વિગતો આપવામાં કોઇ ને કોઇ બહાના કરે છે. માહિતી આયોગનો હુકમ થયો હોવા છતાં હજી કોઇ પ્રક્રિયા આગળ વધી નથી. – સંજય ગોહિલ, આરટીઆઇ કરનાર.
