ભરૂચ
ભરૂચ જિલ્લાનાં યુવાનો આર્મિમાં ભરતી થાય તે માટે આર્મી રીક્રુટિંગ ઓફિસ– અમદાવાદ દ્વારા આગામી સમયમાં લશ્કરી ભરતી મેળાનુ આયોજન થનાર છે. જેમાં ભરૂચ જિલ્લાનાં યુવાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે અને પસંદગીનાં તમામ તબક્કાઓ ઉત્તીર્ણ કરી રાષ્ટ્ર સેવામાં જોડાય શકે તેવા હેતુસર ૩૦ દિવસનાં નિવાસી તાલીમ વર્ગનું આયોજન જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ દ્વારા કરવામાં આવનાર છે. આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ અમદાવાદ દ્વારા દર વર્ષે નોટીફીકેશન આપીને અગ્નિવીરની રેલી યોજવામાં આવે છે, નવા નિયમો મુજબ આર્મી (અગ્નિવીર) તરીકે પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ લેખિત પરીક્ષા યોજવામાં આવે છે, ત્યાર બાદ ફીઝીકલ ગ્રાઉન્ડ પરીક્ષા લેવામાં આવે છે. તેના બાદ મેડીકલ અને ડોકયુમેન્ટ વેરીફીકેશન બાદ ફાઈનલ સિલેકશન કરવામાં આવે છે. આ ભરતીમાં ભરૂચ જિલ્લાના ઉમેદવારો સારો દેખાવ કરી શકે તે માટે જિલ્લા રોજગાર કચેરી,ભરૂચ દ્વારા ૩૦ તાલીમાર્થીઓને ૨૪૦ કલાકની ૩૦ દિવસની વિના મુલ્યે શારિરીક અને બૌધ્ધિક કસોટી નિવાસી તાલીમ યોજાનાર છે. આ તાલીમમાં જોડાવા માટે ધો ૧૦ માં ૪૫% થી વધુ હોય તેમજ ૧૭.૫ થી ૨૦ વર્ષની ઉંમર,૧૬૮ સે.મી.થી વધુ ઊંચાઈ અને ૫૦ કિ.ગ્રા. વજન અને ૭૭ સે.મી.થી વધુ છાતી ધરાવતાં અપરિણિત પુરુષ ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ભરૂચ નો રૂબરૂ સંપર્ક કરીને અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને તાલીમ માટે તા.૨૭/૦૮/૨૦૨૫ સુધી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ ને નિયત નમૂનામાં અરજી કરવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે રોજગાર કચેરી ભરૂચનો રૂબરૂમાં સંપર્ક કરવો.
