બ્યુટીપાર્લર, ઘરકામ સહિતની નોકરીની લાલચ આપી યુવતિઓને ભોળવી
એલસીબી તેમજ એસઓજીની ટીમ બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધતી હતી ને કૌભાંડ ઝડપાયું
। ભરૂચ ।
ભરૂચ પોલીસની એલસીબી અને એસઓજી શાખાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભરૂચ જિલ્લામાં ચાલતા આંતરરાષ્ટ્રીય દેહવ્યાપારનું કૌભાંડ ઝડપી પાડયું છે. ભરૂચ-અંકલેશ્વરમાં સ્પાની આડમાં બાંગ્લાદેશ તેમજ પશ્ચિમ બંગાળની યુવતિઓ પાસે દેહવિક્રિયતાનો વ્યવસાય કરાવવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. એલસીબી-એસઓજીની ટીમે ૧૨ બાંગ્લાદેશી અને ૨ પશ્ચિમ બંગાળની યુવતિને બચાવી છે.

ભરૂચ એલસીબી તેમજ એસઓજીની ટીમો દ્વારા શહેર જિલ્લામાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને પકડવા માટેની ઝુંબેશ હાથ ધરી હતી. દરમિયનમાં એલસીબી પીઆઈ મનિષ વાળાને ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલી અલફારૂક પાર્ક સોસાયટીમાં રહેતો ફારૂક શેખ નામનો બાંગ્લાદેશી એજન્ટ ગરીબ અને મજબુર બાંગ્લાદેશી યુવતિઓને લઈ આવી તેમને ભારતમાં ઘરકામ, બ્યુટીપાર્લરમાં નોકરી અપાવવાની લાલચ આપી તેમના થકી આંતરરાજ્ય કુટણખાના ચલાવે છે. જેથી એલસીબી પીઆઈ મનિષ વાળાએ એસઓજીની ટીમને પણ સાથે રાખી સંયુક્ત ઓપરેશન હાથ થયું હતું. ટીમોએ તેના ઘરે દરોડો પાડતાં કારુક શેખ તેમજ ૪ બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી હતી.
પ્રાથમિક પુછપરછમાં તેણે અન્ય ૧૦ મહિલાઓને દેહવ્યાપાર માટે ભરૂચમાં આવેલાં નાઝીમખાનના મુસ્કાન સ્પા, મંગલબજાર સ્થિત રઈશ શેખના સામાન્ય ગેસ્ટ હાઉસ તથા અંકલેશ્વરમાં સુજીતકુમારના ગોલ્ડન સ્પામાં મોકલી છે. જેથી ટીમે ત્રણેય સ્પા પર દરોડો પાડી ત્રણેય સંચાલકોની ધરપકડ કરી ૧૦ યુવતીઓને બચાવી હતી. એલસીબી એસઓજીની ટીમે ૧૨ બાંગ્લાદેશી તેમજ ૨ પશ્ચિમ બંગાળની એમ કુલ ૧૪ યુવતિઓને બચાવી ઝડપાયેલાં આરોપીઓ પાસેથી કુલ ૬૫ હજારના ૫ મોબાઈલ અને મહિલાઓના બાંગ્લાદેશ નેશનલ આઈડી કાર્ડની ૪ નકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપી વિરુદ્ધ ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્સન એક્ટ તેમજ ધ ઈમીગ્રીશન એન્ડ ફોરેનર્સ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
અત્યાર સુધીમાં ૬૦થી વધુ યુવતિઓને લવાઈ આતરરાષ્ટ્રીય દેહવ્યાપારના રેકેટના મુખ્ય સુત્રધાર ફારૂખ શેખે જણાવ્યું હતું કે, તેણે અત્યાર સુધીમાં 60 જેટલી બાંગ્લાદેશી યુવતિઓને ભારતમાં લાવી છે. હાલમાં પોલીસે બચાવેલી ૧૨ બાંગલાદેશી પુવતિઓ સિવાયની અન્ય યુવતિઓને ગોવા, મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં તેના અન્ય એજન્ટોને મોકલી આપી છે. ત્યારે ભરૂચ પોલીસે તે યુવતિઓને પણ બચાવવા માટે જે તે રાજ્યની પોલીસની સહાયતાથી તેમને શોધવાની કવાયત હાથ ધરી છે.
