Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે શિક્ષણ દિવસની ઉજવણી તજજ્ઞોએ ઉજ્જવળ કારકિર્દીનું માર્ગદર્શન આપ્યુ

Share

 

ગોધરા,

Advertisement

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત ગોધરા ખાતે મહિલા શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તજજ્ઞ વક્તાઓ દ્વારા મહિલાઓના ઉચ્‍ચ શિક્ષણ અને સારી કારકિર્દી બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્‍લા શિક્ષણાધિકારી શ્રીમતી અર્ચના ચૌધરીએ ઉપસ્‍થિત મહિલાઓને સંબોધતાં જણાવ્‍યું હતું કે, સાંપ્રત સમયમાં ફક્ત શિક્ષણ જ નહિ કારકિર્દીનું પણ ખૂબ મહત્‍વ રહેલું છે. શિક્ષણ પ્રાપ્‍ત કર્યા પછી ફક્ત ઘરકામમાં જીવન વ્‍યતીત કરવાં કરતાં મેળવેલા શિક્ષણથી રાષ્‍ટ્ર અને સમાજ ઉપયોગી થવામાં જ જીવનની સાચી સાર્થકતા છે. જ્ઞાન આપવાથી જ્ઞાન વધતું હોય છે.
જિલ્‍લા રોજગાર અધિકારી શ્રી અલ્‍પેશ ચૌહાણે, ભારતીય મહિલાઓ ઘરથી માંડી દરેક ક્ષેત્રમાં, જ્યાં પોતાની હાજરી હોય ત્‍યાં નિર્ણય લેવામાં ભાગ લેતી નથી. જેના કારણે આજે કુલ કામ કરનારાઓમાં મહિલાઓની ભાગીદારી નહિવત રહી છે જેમાં સુધારાની નિતાંત આવશ્યકતા છે. રાષ્‍ટ્રની પ્રગતિ માટે અને મહિલાની સ્‍વઉન્‍નતિ માટે પોતાને સ્‍પર્શતી પ્રત્‍યેક બાબતની નિર્ણય પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી હોવી જરૂરી છે. સરકાર દ્વારા આ અંગે અનેક પ્રયત્‍નો થઇ રહ્યાં છે. અનેક યોજનાઓ અમલીત કરી છે. રાજ્ય સરકારે એટલે જ મહિલાઓના સશક્તિકરણનું પખવાડિયું ઉજવે છે.
ગોધરાની પોલીટેક્નીક કોલેજના પ્રાધ્‍યાપક ડો. પી.એન.શાહે ઇજનેરીના ડીપ્‍લોમાં અને ડીગ્રી અભ્યાસક્રમોની જાણકારી આપતા જણાવ્‍યું હતું કે, ઇજનેરીની સિવિલ, મીકેનીકલ અને ઇલેકટ્રીકલ જેવી ત્રણ બેઝિક બ્રાન્‍ચ છે. જેમાં ઉચ્‍ચ શિક્ષણ સાથે કારકિર્દીની વિશાળ તકો રહેલી છે. રાજ્ય સરકારે પણ ઇજનેરી ક્ષેત્રને મહત્‍વ આપીને તેમાં વિદ્યાર્થીઓની બેઠકો વધારી છે. ધોરણ ૧૦ પછી ડિપ્‍લોમામાં પ્રવેશ મેળવી શકાય છે. ડિપ્‍લોમા કર્યા પછી ડીગ્રી પણ મેળવી શકાય છે. રાજ્ય સરકાર દિકરીઓના શિક્ષણ માટે સંવેદનશીલ તેમજ વિકાસ અને ઉત્‍કર્ષ માટે ખૂબ જ પ્રયત્‍નશીલ છે. વિદ્યાર્થીનીઓ માટે મફત શિક્ષણ ઉપરાંત, શિષ્‍યવૃત્તિ, મુખ્‍યમંત્રી સ્‍વાલંબન યોજનાની સહાય, સાધન સહાય, દૂરના સ્‍થળેથી આવતી વિદ્યાર્થીનીઓ માટે એસ.ટી. બસમાં ફ્રી પાસ, હોસ્‍ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વિનામૂલ્‍યે રહેવા જમવાની સુવિધા, કેન્‍દ્ર સરકારની પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્‍મી એજ્યુકેશન લોન સહાય જેવી અનેકવિધ સહાય ઉપલબ્‍ધ છે.
જિલ્‍લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્‍સિલર રાજેશભાઇ તિવારી અને મિતાલીબેન વરીયાએ રોજગાર કચેરીની સેવાઓની જાણકારી આપતા જણાવ્‍યું હતું કે, હવે આ કચેરી મોર્ડન કેરિયર સેન્‍ટરમાં પરિવર્તિત થઇ ગઇ છે. જેમાં કેરિયર કાઉન્‍સિલીંગ દ્વારા વિદ્યાર્થી-યુવાનોમાં રહેલી આવડત-સ્‍કીલ, છુપી પ્રતિભાની ઓળખ કરવા સાથે સાયકોમેટીક ટેસ્‍ટ લેવાય છે જે વિનામૂલ્‍યે થાય છે. રોજગાર કચેરીમાં નામ નોંધણી www.employment.gujarat.gov.in ઉપર ઓનલાઇન પોર્ટલ પરથી કરી શકાય છે. તે માટે રોજગાર કચેરીએ આવવાની જરૂરિયાત રહેતી નથી. ઓનલાઇન નામ નોંધણી માટે ઇ-મેઇલ આઇડી ફરજીયાત હોય છે.
ગોધરા આઇ.ટી.આઇ.ના ઇન્‍સ્‍ટ્રક્ટર રુક્શાબેન જીવાએ મહિલાઓ માટેના વિવિધ આઇ.ટી.આઇ.ના ટ્રેડ અને રોજગારીની તકો વિશે જાણકારી આપતા જણાવ્‍યું હતું કે, ગોધરા આઇ.ટી.આઇ. ખાતે કોમ્‍પ્‍યુટર, બ્યુટી પાર્લર, સીવણ ઉપરાંત વર્ષ ૨૦૧૬થી બેનવા ટ્રેડ શરૂ કરવામાં આવ્‍યાં છે. જેમાં ધોરણ ૧૦ પછી એક વર્ષના ફીજીયોથેરાપીસ્‍ટ ટેક્નીશિયન અને ક્રાફ્ટમેન એન્‍ડ ફૂડ પ્રોડક્શનનો સમાવેશ થાય છે. રાજ્ય ભરમાં સૌ પ્રથમ ગોધરા આઇ.ટી.આઇ. ખાતે આ ટ્રેડ શરૂ થયા છે. ગોધરા આઇ.ટી.આઇ. દ્વારા મહિલાઓને ગણવેશ શિષ્‍યવૃતિ અને પ્‍લેસમેન્‍ટ પણ કરવામાં આવે છે.
મોરવા(હ)ના પૂર્વ ધારાસભ્‍ય નિમિષાબેન સુથારે પ્રાસંગિક ઉદ્બોધનમાં સરકાર દ્વારા મહિલા ઉત્‍થાન માટે કરવામાં આવેલા પ્રયાસો અને યોજનાઓની ટુંકી જાણકારી આપી હતી.
આ પ્રસંગે રમતવીર વિદ્યાર્થીનીઓને ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્‍યાં હતાં.
મહિલા શિક્ષણ દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીનીઓ, શિક્ષિકાઓ અને આમંત્રીતો ઉપસ્‍થિત રહ્યાં હતાં.


Share

Related posts

અંકલેશ્વરના તાર ફળિયા વિસ્તારમાં એક જ મંડપમાં તાજિયા અને ગણપતિ ની સ્થાપના થતા લોકટોળા જોવા ઉમટ્યા..

ProudOfGujarat

વડોદરા તરસાલી ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

રાજપીપળા : અર્બન હેલ્થ સેન્ટરમાં બુસ્ટર ડોઝની વેક્સિન લીધા વિના જ બની જતા સર્ટિફિકેટનું ષડયંત્ર ઝડપાયું!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!