સ્વામી વિવેકાનંદ નો જન્મ ૧૨ જાન્યુઆરી નાં રોજ થયો હતો. તેઓને યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છેઅને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરોદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે. તેઓ “અમેરિકાના ભાઈઓ તથા બહેનો” સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે. તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી – પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન – એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષચન્દ્ર બોઝ, અરવિંદ ઘૉષ, રાધાકૃષ્ણન જેવા અન્ય રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.

સ્વામી વિવેકાનંદ વેદાંતની એવી વિચારધારામાં માનતા હતા કે જ્યાં સુધી આપણામાંથી તમામ મુક્ત ના થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સાચા અર્થમાં મુક્ત થઈ શકે નહિ. એટલે સુધી કે વ્યક્તિગત મુક્તિની ઈચ્છા પણ છોડવી જોઈએ અને અન્ય લોકોની મુક્તિ માટે થાક્યા વગર કામ કરવું તે સાચા જ્ઞાનીની નિશાની છે. તેમણે આત્મનો મોક્ષાર્થમ્ જગદ્વિતાય ચ (आत्मनॊ मोक्षार्थम् जगद्धिताय च) (પોતાની મુક્તિ માટે અને વિશ્વના કલ્યાણ માટે)ના સિદ્ધાંત પર શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી

વિવેકાનંદ દાર્શનિક રચનાઓનું શરીર છોડીને ગયા છે (જુઓ વિવેકાનંદની સંપૂર્ણ રચનાઓ) વૈદિક વિદ્વાન ફ્રેન્ક પાર્લાટોએ જેને, “તત્વજ્ઞાનમાં પ્રકાશિત થયેલ સૌથી મહાન સંક્ષિપ્ત રચના” કહી છે. યોગ (રાજ યોગ, કર્મ યોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ) પરના તેમના પુસ્તકો (સમગ્ર વિશ્વમાં આપેલા વક્તવ્યોમાં સંકલિત કરાયેલ) અત્યંત અસરકારક છે અને યોગની હિંદુ પદ્ધતિઓમાં રસ ધરાવનાર માટે આજે પણ પાયારૂપ ગણાય છે. તેમના પત્રો સાહિત્યિક અને આધ્યાત્મિક રીતે અત્યંત મૂલ્યવાન છે. તેમની પ્રિય રચના કાલિ માતા સહિત ઘણા ગીતોની રચના કરી હોવાના કારણે તેઓ અત્યંત સારા ગાયક અને કવિ ગણાય છે. ઉપદેશ માટે તેઓ રમૂજનો ઉપયોગ કરતા અને તેઓ ઉત્તમ રસોઈયા પણ હતા. તેમની ભાષાનો પ્રવાહ અસ્ખલિત છે. તેમના પોતાના બંગાળી લખાણો એ હકીકતનો પુરાવો છે કે તેઓ માનતા હતા કે – બોલાયેલા કે લખાયેલા શબ્દો વસ્તુને સમજવામાં સરળ બનાવે તેવા હોવા જોઈએ અને તેમાં લેખક કે વક્તાના જ્ઞાનનું પ્રદર્શન હોવુ જોઈએ નહિ.