Proud of Gujarat
FeaturedGujarat

લાગણીના દરિયામાં એવી રીતે તો ખેંચાઇ ગયો, જાણે સઘળુ ગુરૂત્વાકર્ષણ બળ તારા પ્રેમમાં હોય…

Share

કોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખકઃ નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

સવારનો સમય છે અને લોકો પ્રાતઃવિધી પુર્ણ કરીને પોતાના કામકાજમાં વ્યસ્ત બની રહ્યા છે ત્યારે હેત નામનો યુવક બસ સ્ટેન્ડ પર ઉભો રહીને કોઇની રાહ જોઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. બસ આવે છે ત્યારે બસ સ્ટેન્ડમાં ઉભેલા બધા લોકો ઝડપથી બસમાં ચડી જાય છે પરંતુ હેત ત્યાંનો ત્યાં જ ઉભો રહે છે અને તે જેની પ્રતિક્ષા કરી રહ્યો છે તે વ્યક્તિ હજુ ન આવવાના કારણે સ્થિર ઉભો રહે છે. હેત આતુરતાથી જેની રાહ જોઇ રહ્યો છે તે વ્યક્તિ એટલે નેહા. હેત અને નેહા સાથે જ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે અને બન્ને વચ્ચે સારી મિત્રતા પણ છે. નેહા હજુ સુધી કોલેજ જવા માટે આવી ન હોવાથી એટલે તેની રાહ જોઈ રહ્યો છે. હેત જાણે છે કે તેને પણ કોલેજ જવાનું મોડું થઈ રહ્યું છે પરંતુ તે નેહાને સાથે લીધા વગર કોલેજ જવા માંગતો નથી કેમ કે જો એ નેહા વગર કોલેજમાં જાય તો આમ પણ તેનું મન ભણવામાં ન લાગે અને નેહાના જ વિચારોમાં ખોવાયેલો રહે. હેત બસ સ્ટેન્ડમાં ઉભો રહી ને નેહાના વિચારો કરી રહ્યો હોય છે ત્યાં જ સામેથી નેહાને આવતી નિહાળે છે અને આ સાથે જ હેતના ચહેરા પર સ્મિત છલોછલ જોવા મળી રહ્યું છે. નેહા ને મોડા આવવાનું કારણ પૂછવા ને બદલે હેત તેને મન ભરીને નિહાળ્યા જ કરે છે. થોડીવારમાં જ બસ આવે છે અને હેત તથા નેહા બસમાં ચડી જાય છે પરંતુ બસમાં એક જ સીટ ખાલી હોવાથી હેત નેહાને બેસવા માટે કહે છે. જ્યારે નેહા હિતને બેસવાનું જણાવે છે. બન્ને વચ્ચે થોડો સંવાદ થાય છે પરંતુ બે માંથી એક પણ વ્યક્તિ બેસવા માટે તૈયાર થતી નથી. એક સીટ ખાલી હોવાથી એક વ્યક્તિને ઊભા રહેવું પડે તેમ હોવાથી બંને ઉભા રહે છે અને એક વયોવૃદ્ધ માજીને આગ્રહ પુર્વક ખાલી સીટ પર બેસાડે છે. વયોવૃદ્ધ માજી બસમાં બેસવા માટે જગ્યા મળવાના કારણે ખુબ જ ખુશ થાય છે અને નેહા ના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવીને અંતરના આશીર્વાદ આપે છે. માજી નેહાને પ્રેમથી આશિર્વાદ આપતા કહે છે કે ભગવાન તમારી જોડી સલામત રાખે, તમારુ દાંપત્યજીવન સદાય સુખી રહે. માજીના આ અંતરના આશીર્વાદ સીધા નેહાના હ્રદયમાં ઉતરી જાય છે. હજી સુધી નેહા અને હેત વચ્ચે પ્રેમના સંબંધો પણ શરૂ થયા નથી અને આવા સમયે માજી એ સુખી દામ્પત્ય જીવન ના આશીર્વાદ આપતા નેહા મનોમન હરખાય છે અને માજીને વંદન કરી તે મનોમન હેત ને પોતાનો જીવન સાથી પતિ મનવા લાગે છે. હવે નેહા હેતની સંપૂર્ણ કાળજી રાખવાનો સતત પ્રયત્ન કરે છે. તો આ બાજુ હેત કંઈક સમજી શકતો નથી કે નેહા શા માટે તેની આટલી બધી કાળજી રાખે છે. નેહા હેતને ભરપુર પ્રેમ કરી રહી છે પરંતુ તે હેતને જણાવતી નથી. પ્રેમથી વાતો કરે છે પરંતુ પ્રેમની વાત કહેતી નથી. તેમ છતાં પણ નેહાના લાગણીના દરિયામાં હેત સતત ખેંચાઈ રહ્યો છે. નેહાના પ્રેમનું સઘળુ ગુરુત્વાકર્ષણ બળ હેતને પોતાના તરફ આકર્ષીત કરી રહ્યું છે. બસ હવે તો કોલેજ હોય કે કેમ્પસ નેહા અને હેત એકબીજાની સાથે જ જોવા મળી રહ્યા છે અને એક ક્ષણ માટે પણ જુદા પડતા નથી. સામાન્યરીતે કોલેજ કેમ્પસમાં ક્યારેય કોઇ છોકરી સાથે જોવા ન મળતો હેત હવે નેહા સાથે સતત જોવા મળી રહ્યો છે. કોલેજમાં અભ્યાસનો સમય પૂર્ણ થયા પછી નેહા અને હેત સમયાંતરે સાથે મુવી જોવા જાય છે અને મિત્રોને પણ લઇ જાય છે. હોટલમાં જમવા કે કેન્ટીનમાં ચા નાસ્તો કરતા હેત અને નેહા જોવા મળી રહ્યા છે. હેત અને નેહા કોલેજથી નજીક આવેલા બગીચામાં કલાકો સુધી સાથે બેસીને પ્રેમની વાતો કરી રહ્યા છે અને વાતો કરવામાં તો નેહા હેત ને પાછળ રાખી દે છે. એકબીજાના હાથમાં હાથ રાખીને બન્ને દિલ ખોલીને વાતો રહી રહ્યા છે અને કલાકો સુધી સાથે રહેવા છતાં પણ નેહાની પ્રેમાળ વાતો નો ક્યારેય અંત જ આવતો નથી. સતત સાથે રહેવાના કારણે અને નેહાના પ્રેમાળ વ્યવહારથી હેત તેના પ્રેમમાં વધુને વધુ આકર્ષિત થઇ રહ્યો છે. હવે તો નેહા અને હેતની એકબીજાના ઘરે આવનજાવન પણ શરૂ થઈ ગઈ છે અને બંને પરિવારો સહજ રીતે આ સંબંધને સ્વીકારી પણ રહ્યા છે. પ્રેમના થોડા દિવસો પછી તરત જ હેત અને નેહાએ પરીવાર જનોને પોતાના પ્રેમની જાણ કરી દીધી છે. જેથી બંને પરિવારમાં પણ ખુશી જોવા મળી રહી છે. નેહાએ પોતાના વ્યવહારથી હેતના પરિવારને પોતાનો પરિવાર બનાવી લીધો છે. હેતના મમ્મી નેહા ને સહજતાથી કહે છે કે બેટા મારો હેતુ થોડો તોફાની અને જીદ્દી છે તો તેને તું સંભાળી ને રાખજે ત્યારે થોડુ હસીને નેહા જણાવે છે કે મમ્મી તમારો હેતુ તોફાની અને જીદ્દી છે એટલે તો મને ગમે છે. મારે તેની સંભાળ રાખવાની કોઈ જરૂર નથી એ પોતે મારી સંભાળ રાખી રહ્યા છે. તો બીજી બાજુ હેત જ્યારે નેહાના ઘરે જાય છે ત્યારે તે નેહાના પરિવારમાં પણ લાડકવાયો બની જાય છે. નેહાના પિતાજી હેતની ખૂબ જ કાળજી રાખી રહ્યા છે અને સહજ રીતે હસી ખુશીથી વાતો કરી રહ્યા છે. જ્યારે નેહાના પિતાજી હેતને કહે છે કે મારી દીકરી બોલવામાં થોડી આખી છે અને સાથે તોફાની અને જીદ્દી છે ત્યારે હેત કહે છે કે તમારી દીકરી ભલે બોલવામાં આખી અને તોફાની હોય પરંતુ એ જીભની પણ પાક્કી છે. તમે ઝડપથી કન્યાદાન કરી દો એટલે નેહા શાંત થઈ જશે. નેહાના બધા તોફાન બંધ થઈ જશે. આ સાંભળીને નેહાના પિતાજી સહિત પરિવારના સભ્યો ખડખડાટ હસી પડે છે. જ્યારે નેહા શરમાઈને પોતાના રૂમમાં જતી રહે છે. થોડા દિવસોમાં હેત અને નેહાના પરિવારજનો મળે છે અને બન્નેના લગ્ન નક્કી કરવામાં આવે છે. પ્રેમરૂપી ગુરુત્વાકર્ષણ બળ થી જોડાયેલા પ્રેમીયુગલો હવે જીવનસાથી બનવા જઇ રહ્યા છે ત્યારે નેહાના વડીલ દાદીમાં બધાની વચ્ચે કહે છે કે આપણે બધા સાથે મળીને હેત અને નેહાના લગ્ન નક્કી કરીએ એ પહેલા નેહા ને તો કોઇકે પૂછી લેવું જોઈએ કે શું તે આ લગ્નથી ખુશ તો છે ને? બધા આશ્ચર્યથી નેહા સામું જોઈ રહ્યા છે ત્યારે નેહા એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કહી દે છે કે તમે લગ્ન કરાવો કે ન કરાવો મેં તો મારા મનથી હેતને મારા પતિ માની લીધા છે. આ સાંભળીને બંને પરિવારના સભ્યો ખડખડાટ હસવા લાગે છે અને હેતને કહે છે કે તું નસીબદાર છે કે તને આવી પ્રેમળ પત્ની મળી રહી છે. હેત કહે છે કે નેહાના પ્રેમનું ગુરૂત્વાકર્ષણ બળ જ એવુ છે કે હું તેના તરફ વધુને વધુ ખેંચાઇ રહ્યો છુ. નેહા તો લાગણીને દરીયો છે ત્યારે નેહા કહે છે કે હેત તમે મારા બહું વખાણ ન કરશો અને લગ્નની તૈયારીઓ શરૂ કરો પછી તમારી પ્રેમાળ વાતો મારે આખી જીંદગી સાંભળવાની જ છે.
(તસવીર સૌજન્ય ડો.વિપલ મોરડીયા)

Advertisement

Share

Related posts

કોંગ્રેસની ડિજિટલ સભ્યપદ અને સંગઠનને મજબૂત કરવાની રણનીતિ નક્કી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર : તાડ ફળિયામાં જુગાર રમતા 6 જુગારીઓની અંકલેશ્વર પોલીસે ધરપકડ કરી : અન્ય બે ફરાર.

ProudOfGujarat

વડોદરા : 28 વર્ષથી SRP માં ફરજ બજાવતા જવાને સર્વિસ રાયફલથી પોતાને ગોળી મારી આપઘાત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!