Proud of Gujarat
FeaturedGujaratINDIA

બળાત્કાર: આપણે હજી ક્યાં સુધી ચૂપ રહીશુ?

Share

લેખકઃ- સ્નેહા પટેલ (લેખક જાણીકા કવિ, કોલમનિષ્ટ છે)

‘રોજ બળ્યાં એકના એક જ સમાચાર આવે છે, એમાં શું પેપર વાંચવાના? ‘ વિચારતો મોટા ભાગનો જનસમુદાય કામના લાગતા (!) સમાચારો રસપૂર્વક વાંચીને છાપા બાજુમાં મૂકી દે છે અને રોજિંદા કાર્યમાં પૂરોવાઈ જાય છે. મોટાભાગની વસ્તીને બળાત્કારના કેસની ખાસ કંઇ ખબર જ નથી પડતી હોતી. બહુ બહુ તો અમુક માણસ આને સમાચારથી અપડેટ રહેવાની પોતાની ભૂખ સંતોષવા, કાં તો પાનના ગલ્લે કે આજકાલ  ફેસબુકના ઓટલે ચર્ચામાં બે શબ્દ બોલીને પોતાનું જ્ઞાન છતું કરી શકે એ આશયથી આવા સમાચાર વાંચી લે એમાં પણ  કોઇ વ્યસ્ક છોકરી હોય તો એમ વિચારવાનું ચાલુ કરે છે કે,’આ છોકરીના લખખ્ણ જ એવા હતાં, આખો દિ’ ગામના – સોસાયટીના છોકરાંઓ સાથે હા હા હીહી..રોજ એમના સ્કૂટર બાઈક પર રખડવાનું અને હા..સાલું કપડાં પણ કેવાં પહેરે છે – અડધાં અંગ તો ખુલ્લાં જ રહે છે ! આ હાથે કરીને છોકરાંઓની ઉશ્કેરણી કરે છે ને પછી બળાત્કાર જેવું થાય ત્યારે રડતાં રડતાં સતી સાવિત્રી થવાના નાટકો કરે છે. કોને ખબર આની પહેલાં કેટલાંય છોકરાંઓ સાથે પોતાની મરજીથી સૂઇ ચૂકી હશે આ બિચારો કોઇ એની વાત નહી માની હોય એટલે હોહા કરીને બદનામ કરવાના ધંધા કરે છે.’ (છોકરીઓ જેની સાથે રખડે છે એ છોકરાંઓનો તો જન્મજાત અધિકાર છોકરીઓને લઈને ‘ફરવાનો..એમને એક અક્ષર ના કહેવાય. ઉલ્ટાનું એ ગૌરવપ્રદ વાત !)

Advertisement

બસ. અહીં હું વાંચકોને બે પળ અટકવાનું કહું છું અને આખી વાત ફરીથી વાંચીને વિચારવાનું કહું છું.

‘ શું લાગ્યું ? છોકરી જ આડા પાટાની હતી ને ? છોકરાંઓ સાથે રખડે..ટૂંકા ટૂંકા કપડાં પહેરે પછી બળાત્કારો તો થાય જ ને..!’

મિત્રો, આ મારા શબ્દો નથી, આ અત્યાર સુધીના મોટા ભાગના બળાત્કારના કેસમાં સૌથી વધુ બોલાતા આવેલાં શબ્દો છે, પછી એ મોઢું સ્ત્રીનું હોય કે પુરુષનું – કોઇ ફર્ક નથી પડતો. બળાત્કાર થાય છે એમાં મુખ્ય વાંક જ સ્ત્રીઓના નખરા, કપડાં અને રહેણી કરણીનો હોય છે. પુરુષ તો બિચારો નાદાન – નેટ – મોબાઈલમાં પોર્ન વિડિઓ જોઇ જોઇને મગજ વિક્રુત કરી કાઢ્યું હોય, અમુક સમયે મિત્રોમાં પોતાની મર્દાનગી સાબિત કરવાં ની હોય –  પછી કોઇ પણ સ્ત્રીને જોઇને એ ઉત્તેજિત થઈ જાય અને પછી તો એનો પોતાની જાત પર કંટ્રોલ ક્યાંથી રહેવાનો ? એની તો પ્રક્રુતિ જ એવી કે એ બળાત્કાર કરી જ બેસે. પોતાની વાસના સંતોષવા એ કોઇ પણ સ્ત્રીને એની મરજી વિરુધ્ધ ભોગવી શકે   અરે પોતાની ‘સો કોલ્ડ’ મજા માટે એ છોકરીના ગુપ્તાંગોમાં ગમે તે વસ્તુ નાંખી શકે, ગમે ત્યાં સિગારેટના ડામ દઈ શકે. માત્ર એક દિવસ નહીં પણ આ કાર્યમાં મજા આવતાં એ છોકરી પર પોતાની માલિકી સમજીને એને કોઇ અવાવરુ જગ્યાએ પૂરીને એને ‘મજાની વસ્તુ’ સમજીને વાપરી શકે અને મન થાય તો એના શરીરને ચૂંથીને માંસભક્ષી વરુની જેમ ફાડી નાંખીને મારી પણ શકે છે..બિચારો પુરુષ શું કરે ? એની તો પ્રક્રુતિ જ એવી ભાઈ !

વિકૃત માનસ સાથે ફરતાં આવા પુરુષોએ હવે મનમાનીના નામે માઝા મૂકી છે. એક દ્ર્શ્ય વિચારો તો જરાઃ

પાંચ છ વર્ષની કુમળી બાળકીઓ પોતાના બાળપણની અલાયદી મસ્તીમાં મસ્ત થઈને ધૂળ – પાણી – તડકાં કશાની ચિંતા વિના મમ્મીની રજા લઈને પોતાની ગલી,પોળ,કંપાઉંન્ડમાં પોતાની ઉંમરના બાળકો સાથે ખિલખિલ કરતાં રમતો માણી રહી છે. મમ્મી પણ ઉનાળાની કાળઝાળ ગરમીથી કંટાળેલી હોય છે. છાપાં, ટીવી ના સમાચારો વાંચવા – સમજવા કે એ વાતની ગંભીરતા પોતાની નાનકડી ઢીંગલીઓને સમજાવવા જેટ્લો સમય પણ નથી મળતો હોતો કે વિચાર સુધ્ધાં આવતો હોતો નથી. આ છાપા – ટીવીવાળા તો આવું બધું લખ્યા કરે , બતાડ્યાં કરે. આજે આ બાવાની લંપટલીલા તો કાલે પેલા રાજકારણીના પ્રવચનો, તો ક્યાંક સદીઓથી ચાલ્યાં આવતા બળાત્કારોની  બે ત્રણ કોલમના સમાચારો..હોય હવે, આખરે એ લોકોને ય પોતાના પેટીયાં રળવાંના છે. આપણે હજારો કામ..એમા આવું બધું વિચારવા ક્યાં બેસીએ !

આ બધી ય ગતિવિધીઓનું ધ્યાન રાખીને પોતાના મનની મેલી મુરાદ પૂરી કરનારા હવસખોરો અચાનક એ ટોળામાંથી એક માસૂમ બાળકી ઉપર બાજની જેમ તરાપ મારીને પોતાના પિંજરામાં પૂરી દે છે. નાનકડી બાળકીને તો આ દુનિયાદારીની કોઇ જ સમજ નથી. એને મન તો આ ‘અંકલ’ એને રોજ ચોકલેટ આપે છે, પિત્ઝા ખવડાવે છે એટલે દુનિયાના સારામાં સારા ‘અંકલ’ છે. રોજ પેલો હવસખોર એક ચોકલેટ -પિત્ઝા જેવી લાલચ આપીને પેલી બાળકીને ‘આ વાત કોઇને કહીશ નહીં હોંકે, કાલે હું તને મોટી કેડબરી આપીશ..’કહીને પોતાની હવસ સંતોષે છે ને બાળકી ચોકલેટ ખાવામાં મગ્ન એની સાથે શું થઈ રહ્યું છે એનાથી ય અજાણ હોય છે. એને મન તો એનું આખું વિશ્વ એક ચોકલેટમાં વસ્યું હોય છે. મોટાભાગની છોકરીઓને પોતાના બાળપણમાં આવા ‘અંકલ – કઝિન’ ભટકાયાં જ હોય છે, પણ જ્યારે એ બધાંની સમજ આવે ત્યારે એ વિષયને એક સપનું સમજીને ભૂલી જવામાં જ સમજદારી સમજે છે. કારણ કેસ કરવા જાય તો પુરાવા, આબરુનો ફજેતો અને મુખ્યત્વે ભવિષ્યનો અંધકાર એની નજર સામે તરવરીને ડરાવે છે. કાયદામાં પણ લાલીયાવાડી…કેટલાં ધક્કા ખવડાવે અને કેવા કેવા પ્રશ્નો પૂછે…!

આજકાલ આવા બાળકીઓના બળાત્કારના કેસની સંખ્યા વધી રહી છે. વળી આ બળાત્કાર માટે માત્ર ‘બળાત્કાર’ શબ્દ નાનો પડે છે એટલી હદે એ લોકો છોકરીઓની સાથે વિકૃતિ આચરે છે , મારી પણ કાઢે છે. હવે આમાં સમાજનો પેલો ‘છોકરીના ટૂંકા કપડાં ને નખરાં જ જવાબદાર’વાળો વર્ગ એમની વાત સમજાવો કે આવા કેસોમાં એ વિચાર જ પકડી રાખશો કે?

અલ્યાં ભાઈ, આ નાનકડી માસૂમોને સૂસૂ કરવાં ય ક્યાં જવાનું એ ભાન નથી હોતું. ઘણી તો હજુ ચડ્ડી ભીની કરી દેતી હોય છે, તો ઘણીને ફેશનના મોટા મોટા થોથા સાથે કોઇ જ નાતો નથી હોતો, મમ્મીએ જે પહેરાવ્યાં એ કપડાં પહેરીને રમવાં નીકળી પડી હોય છે. રમવું એ જ એમનું વિશ્વ. મિત્રો સાથેની ધમાલ મસ્તીમાં આવા કોઇ દાનવ સાથે ભેટો થાય તો શું કરવું એવું તો એમની પરીકથામાં ય નથી સાંભળ્યું હોતું. અરે એમના તો અંગોપાંગો પણ હજુ વિકસ્યા નથી હોતાં કે જેનાથી કોઇ પુરુષને બળાત્કાર જેવી કક્ષાએ જવા મજબૂર કરે, ઉત્તેજિત કરે. તો હવે આમાં કોનો વાંક ગણીશું  ?

શું કહો..જરા જોરથી બોલો તો…ધીમા ધીમા અવાજે સત્ય સ્વીકારનાર સમાજ ખોખલો લાગે છે, મજબૂત ને મક્કમ બુલંદ સ્વરે જે ‘વિકૃત માનસની’ હકીકત છે એનો સ્વીકાર કરો ને શક્ય એટલો બહિષ્કાર કરો. આજે એમના ઘરનો  તો કાલે તમારા ઘરનો વારો પણ હોઇ જ શકે છે.

હજી બેજવાબદારી અને વેવલાંપણાંની ઓથે કેટલી નિર્ભયાનું બલિદાન આપીશું ?

તો ચાલો મિત્રો, જાગૃત બનો અને આવી વિકૃતિને સમાજમાંથી હાંકી કાઢવા બનતાં બધા પ્રયત્નો કરવાની પ્રતિજ્ઞા લઈએ.

‘આજ પછી મારા દેશમાં એક પણ બળાત્કાર ના થવો જોઇએ.’ જેવી વાત વધુ ને વધુ ફેલાવીને સમાજમાં એનો ભાવ વિક્સાવીએ, મજબૂત કરીએ.
– લેખકઃ- સ્નેહા પટેલ.


Share

Related posts

અમદાવાદથી ગોવા, જયપુર સહીત અન્ય 6 શહેરોએ જવા માટે ફ્લાઇટના ભાડામાં વધારો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે દાવતે ઇસ્લામી દ્વારા નમાઝ પ્રશિક્ષણ માટે સાત દિવસીય સેમિનાર યોજાશે.

ProudOfGujarat

આ રાશિના જાતકો માટે આવનારા 26 દિવસ વરદાન સમાન રહેશે, સૂર્ય ભગવાનની કૃપા વરસશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!