Proud of Gujarat
GujaratFeaturedINDIA

પહેલા કામ ક્રોધ લોભ મોહ રૂપી રાવણનું દહન કર પછી હું તને ભરપુર પ્રેમ કરીશ

Share

 

કોલમઃ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખકઃ- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

Advertisement

શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારમાં જેમ જેમ નવરાત્રી મહાપર્વની આગળ વધી રહ્યુ છે તેમ તેમ નવરાત્રીનો રંગ જામતો જાય છે. પાર્ટીપ્લોટના ઝગમગાટ મધુર સંગીતની સાથે ખેલૈયાઓ ગરબા રાસની રમઝટ બોલાવી રહ્યા છે. પરંપરાગત શેરી ગરબાઓમાં પણ નવરાત્રીમાં ગરબાની રમઝટ જામી છે અને યુવા હૈયા હિલોળે ચઢ્યા છે. ખેલૈયાઓ ભક્તિ, શક્તિ અને ઉલ્લાસના પર્વ નવરાત્રીમાં મન મુકીને ગરબે ઘૂમી રહ્યા છે. શહેરમાં આવેલા માતાજીના મંદિરો તથા ગરબાના સ્થાન રોશનીથી શણગારવામાં આવ્યા છે. નવરાત્રી દરમ્યાન ભક્તો દ્વારા ગરબે રમવા ઉપરાંત મેલડી માતાજી મંદિર, અંબાજી મંદિર, બહુચરમાતા મંદિર, ખોડીયાર માતા મંદિર સહિતના માતાજીના મંદિરોમાં જઇને દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી રહ્યા છે. રાત્રે જગત જનની મા આદ્યશક્તિની આરતી ઉતારી અને માતાજીનો પ્રસાદ ગ્રહણ કરીને ખેલૈયાઓ ગરબે રમી રહ્યા છે. વર્ષમાં ચાર નવરાત્રી આવે છે અને હાલમાં શારદીય નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રી એટલે આદ્યશક્તિની સાધના-આરાધનાનું દિવ્ય, અનેરુ અને પાવનકારી પર્વ છે. નવરાત્રીમાં દેવીભક્તો ચંડીપાઠ, ગાયત્રી અનુષ્ઠાન, યજ્ઞ,દાન, જાપ-તપ, મંત્રલેખન, નવ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરે છે. શહેરની સોસાયટીઓ,પોળો અને શેરીઓમાં રાસ-ગરબા જામ્યા છે. યુવક યુવતીઓ ટ્રેડીશનલ ડ્રેસમાં રોજ રાસ-ગરબાની મજા માણી રહ્યા છે. મોડીરાત સુધી ખેલૈયાઓ ગરબે રમીને નાસ્તાની લીજ્જત માણી રહ્યા છે. વિવિધ સોસાયટીઓ, મહોલ્લાઓમાં ગરબા પછી નાસ્તાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે આવા માહોલમાં પણ મનિષા ગરબે રમવાને બદલે કોલેજની પરીક્ષાની તૈયારી કરી રહી છે. આમ તો મનિષાને નવરાત્રીમાં ગરબા રમવાનો ગજબનો શોખ છે પરંતુ પરીક્ષા નજીકના દિવસોમાં જ આવતી હોવાથી તે ગરબા રમવાનું ટાળે છે અને વાંચનમાં પુરૂ ધ્યાન આપે છે. મનિષા કોલેજમાં પણ પોતાની મસ્તીમાં મસ્ત રહેવા વાળી છોકરી છે. મનિષાનો દેખાવ આકર્ષક હોવાથી અને બોલવાની છટા પણ ઉત્તમ હોવાથી કોલેજના અનેક યુવકો તેને મિત્ર બનાવવા માંગે છે પરંતુ મનિષા કોઇ પણ યુવક સાથે મિત્રતા કરતી નથી. મનિષા ઘરેથી સીધી કોલેજ અને કોલેજથી સીધી ઘરે જતી રહે આવો નિત્યક્રમ ચાલ્યા કરે છે. પરંતુ મનિષા આજે તેની સહેલી ગોપીનો જન્મ દિવસ હોવાથી હઠાગ્રહના કારણે ફિલ્મ જોવા માટે થીયેટરમાં કોલેજની યુવતીઓ સાથે જાય છે. જેની જાણ કોલેજના કૌશિક સહિતના કેટલાક યુવકોને થઇ જતા તેઓ પણ ફિલ્મ જોવાના બાનાથી મનિષાને જોવા માટે થીયેટરમાં પહોચી જાય છે અને બાકીની તમામ ટીકીટો કૌશીક ખરીદી લે છે જેના કારણે અન્ય કોઇ પણ લોકો થીયેટરમાં ન આવી શકે. મનિષા જેવી થિયીટરમાં તેની સહેલીઓ સાથે પ્રવેશ કરે છે તો થીયેટરમાં માંડ ગણ્યા ગાંઠ્યા વ્યક્તિઓ જ બેઠા હોય છે. ગોપી તું તો કહેતી હતીને કે સુપર ડુપર હીટ ફિલ્મ છે પરંતુ થિયેટર તો સાવ ખાલી છે તેમ મનિષાએ પ્રશ્ન કર્યો. ફિલ્મ તો સુપર ડુપર હીટ જ છે પરંતુ આજે કેમ લોકો આવ્યા નથી તે કાંઇ ખબર પડતી નથી તેવો ગોપીએ ઉત્તર આપ્યો ત્યારે ગોપીની બીજી સહેલીએ કહ્યુ કે, લોકોને તો સુપર ડુપર હિટ ફિલ્મ જોવા માટે આવવું છે પરંતુ આપણી કોલેજના કૌશીકે બાકીની બધી ટીકીટો ખરીદી લીધી છે જેના કારણે અનેક લોકો થીયેટરની બહાર ઉભા છે પણ ટીકીટ ન મળી હોવાના કારણે ફિલ્મ જોવા માટે થીયેટરની અંદર આવી શકતા નથી. આ સાંભળીને મનિષાને ખુબ જ ગુસ્સો આવે છે અને તેનો ચહેરો લાલચોળ થઇ જાય છે. કૌશીક ક્યાં બેઠો હશે તેમ ઉંચા અવાજમાં મનિષાએ ગોપીને પ્રશ્ન કર્યો ત્યારે થીયેટરની અંદર પાછળની સીટ પર બેઠેલા કૌશીકે વ્યંગ સાથે કહ્યુ કે, મનિષા મેડમ થોડા શાંત થાવ, તમે જે કૌશિકને શોધો છે તે તમારી સામે જ હાજર છે. કૌશિક તે આ બધુ શુ માંડ્યુ છે, કેમ થીયેટરમાં ફિલ્મ જોવા આવેલા લોકોને હેરાન કરે છે, તને ખબર છે તારા કારણે કેટલા બાળકો થીયેટરની બહાર રડી રહ્યા છે તેમ મનિષાએ કડક અવાજમાં કહ્યુ. મેં તો મારી મનિષા અને તેની સહેલીઓ કોઇ પણ પ્રકારની તકલીફ વગર ફિલ્મ જોઇ શકે તે માટે બાકીની તમામ ટીકીટ ખરીદી લીધી હતી. મે તો તારા માટે સારૂ કર્યુ પણ તું મારા પર ગુસ્સે થઇ રહી છું આ બીલકુલ યોગ્ય નથી તેમ કૌશિકે ધીમા અવાજમાં કહ્યુ. મારો તારી સાથે કોઇ સંબંધ નથી અને તારે મારૂ ધ્યાન રાખવાની કોઇ જરૂર નથી તેમ કહીને મનિષા કૌશિકના હાથમાં રહેલી તમામ ફિલ્મની ટીકીટો છીનવી લે છે અને થીયેટર બહાર જઇને ફિલ્મ જોવા માટે આવેલા તમામ લોકોને ટીકીટ આપી દે છે. લોકો પાસેથી ટીકીટના પૈસા લઇને આ પૈસા મનિષા કૌશિકના મોઢા પર મારીને થીયેટરની બહાર નિકળી જાય છે. કૌશિક પણ ફિલ્મ જોયા વગર પોતાનું અપમાન સહન કરીને બહાર નિકળી જાય છે. પછી તો મનિષા સીધી જ તેના ઘરે જતી રહી છે. પરંતુ કૌશિકને પોતે કરેલા ગેરવર્તણુકના કારણે ભારોભાર પસ્તાવો થાય છે કેમ કે તેનો હેતુ ફક્ત મનિષાને કોઇ તકલીફ ન પડે તેવો હતો પરંતુ આજે કૌશિક જેને ચાહે છે તે મનિષા જ નારાજ થઇ ગઇ છે. જેના કારણે કૌશિક સાવ ભાંગી પડે છે. કૌશિક રાત્રે ઘરે જઇને ઉંઘી શકતો નથી અને પધારીમાં આમ તેમ આળોટ્યા કરે છે. બીજા દિવસે મનિષા નિત્યક્રમ મુજબ જેવી કોલેજમાં પ્રવેશ કરે છે ત્યા ગોપી આવીને કહે છે કે મનિષા આજે તું કોલેજમાં ન આવીશ કેમ કે કૌશિક તેના મિત્રોને લઇને કોલેજમાં આવ્યો છે અને તેમના બધાના હાથમાં કાંઇને કાંઇ હથીયાર છે, મને બહુ ડર લાગે છે. તું ચિંતા ના કરીશ એ રાવણોનો આજે આખરી દીવસ લાગે છે અને મારા હાથે જ રાવણનું દહન થશે તે નિશ્ચિત છે તેમ મનિષાએ જણાવ્યુ અને સીધી કૌશિક જ્યા મિત્રો સાથે બેઠો છે એ તરફ જાય છે. મનિષાને કૌશિક પાસે જતી જોઇને તેની સહેલીઓ ખુબ જ ગભરાઇ જાય છે પરંતુ મનિષા તો સહેજ પણ ડર રાખ્યા વગર સાક્ષાત શક્તિ હોય તે રીતે મક્કમતાથી આગળ વધી રહી છે. કૌશિક પાસે જઇને મનિષા કહે છે કે આ બધુ શુ નાટક કરે છે, હું કાઇ તારાથી ડરતી નથી. કોલેજનો તું ડોન હોઇશ પણ મને ડોનને સીધો કરતા આવડે છે. તને ડોનને સીધો કરતા આવડે છે એ હું સારી રીતે જાણું છુ એટલે જ તો મારા મિત્રો સાથે આજે તારી માફી માંગવા આવ્યો છુ તેમ બોલતા બોલતા કૌશિક રડી પડે છે. મનિષા સહિત કોલેજના અન્ય વિદ્યાર્થીઓ કાંઇ પણ સમજે તે પહેલા તો કૌશિક અને તેના તમામ મિત્રો હથીયારો મનિષાના ચરણોમાં મુકી દે છે અને કહે છે કે આજથી અમે બધાએ ખોટા કામ કરવાના છોડી દીધા છે અને એક સમાન્ય વિદ્યાર્થીની જેમ જ કોલેજ આવીશુ અને અભ્યાસ કરીશુ. કૌશિકના બદલાયેલા વર્તનથી મનોમન મનિષા પણ ખુશ થઇ જાય છે. કૌશિકે કહ્યુ કે આપણે સૌ સાથે મળીને કોલેજમાં અસત્ય પર સત્યના પ્રતિક રાવણ દહનનો કાર્યક્રમ કરીશુ અને બધા પ્રેમથી સાથે રહીશુ. આ સાંભળીને મનિષાએ તરત જ કહ્યુ કે, “પહેલા કામ ક્રોધ લોભ મોહ રૂપી રાવણનું દહન કર પછી હું તને ભરપુર પ્રેમ કરીશ”. મનિષાના આવા પ્રેમાળ શબ્દો સાંભળીને કૌશિક હરખાઇ જાય છે અને હવે પછી ક્યારેય કોઇ પણ વ્યક્તિને પરેશાન નહી કરવાની પ્રતિજ્ઞા લે છે અને કોલેજના તમામ વિદ્યાર્થીઓ સાથે પ્રેમ ભાઇચારાથી રહેલા લાગે છે. કોલેજમાં સૌ સાથે મળીને પોતાનામાં રહેલા વિકારો રૂપી રાવણનું દહન કરે છે અને ધામધુમ પુર્વક વિજયા દશમી પર્વની ઉજવણી કરે છે.

 


Share

Related posts

ભરૂચ નજીક નેશનલ હાઈવે નં. 8 ઉપર ટ્રેલર અને અલ્ટો કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત.

ProudOfGujarat

2017 में पूरी हुई सलमान की ३०० करोड़ की हैट्रिक

ProudOfGujarat

વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ નંબર 12 ની કચેરીના પહેલા માળે આગ લાગતા મહત્વના કાગળો બળીને ખાખ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!