ભરૂચ :
ભરૂચના ઝાડેશ્વર-તવરા રોડ પર શ્રી ગુરુનાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે નીકળેલી રેલી દરમિયાન ટ્રાફિક નિયમન કરી રહેલી સી ડિવિઝન પોલીસ સાથે આઠ વ્યક્તિઓએ ઉદ્ધતાઈભર્યું વર્તન કરી બખેડો કર્યો હતો. રોંગસાઈડમાં આવતી બે કારને રોકી સાઈડમાં લેવા જણાવતાં કારચાલકોએ નવી કારના બોનેટ પર હાથ કેમ માર્યો તેમ કહી હોબાળો મચાવ્યો હતો. આ મામલે પોલીસે આઠેય સામે ગુનો નોંધ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, પ્રકાશ પર્વની રેલીને લઈને સી ડિવિઝન પોલીસનો સ્ટાફ ઝાડેશ્વર ચોકડી ખાતે બંદોબસ્તમાં તહેનાત હતો. રેલીના કારણે ટ્રાફિકનું ભારણ વધતાં પોલીસ ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહી હતી. દરમિયાન તવરા રોડથી ઝાડેશ્વર ચોકડી તરફ રોંગસાઈડમાં આવતી નંબર પ્લેટ વિનાની કાળા રંગની ક્રિયા કારને પોલીસે રોકી હતી. તેની પાછળ ઈકો કાર પણ ઊભી રહી ગઈ હતી.
પોલીસકર્મીઓએ બંને કારના બોનેટ પર હાથથી ઈશારો કરી વાહનો પાછળ લઈ સાઈડમાં ઊભાં રાખવા જણાવ્યું હતું. જોકે, કારમાં સવાર મહિલા અને પુરુષો નીચે ઉતરી આવ્યા હતા અને અમારી નવી ગાડી પર હાથ કેમ માર્યો તેમ કહી પોલીસ સાથે દલીલો શરૂ કરી હતી. અન્ય પોલીસકર્મીઓએ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાનું જણાવી વાહનો સાઈડમાં લેવા સમજાવ્યા હતા. તેમ છતાં એક મહિલાએ અમારી કાર અહીં જ રહેશે, તમારાથી થાય તે કરી લો તેમ કહી ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું.
પોલીસની સમજાવટ છતાં આઠેય વ્યક્તિઓએ જાહેરમાં બખેડો કરી ફરજમાં અડચણ ઊભી કરતાં પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓમાં કુર્વેશ મહેન્દ્ર પટેલ, આશા કુર્વેશ પટેલ, હિના મહેન્દ્ર પટેલ, હેત નિકુંજ પટેલ, ઉર્વશી નિકુંજ પટેલ (તમામ રહે. જૂના દિવા, અંકલેશ્વર), નિરાલી હિરલ પટેલ (રહે. અંદાડા) તથા મિઠુંજ મહેશ પટેલ અને મેથા નિકુંજ પટેલ (બંને રહે. ગોવાલી, ઝઘડિયા)નો સમાવેશ થાય છે. પોલીસે ટ્રાફિકમાં અડચણ અને સરકારી ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
