ભરૂચ : ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે શુક્રવારે સવારથી મેઘરાજાએ સાર્વત્રિક હાજરી નોંધાવી હતી. જિલ્લાના તમામ 9 તાલુકામાં ઝરમરથી લઈને ધોધમાર ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.
જિલ્લામાં અત્યાર સુધી મોસમની સરેરાશનો 114 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જોકે, ભરૂચ, આમોદ અને જંબુસર તાલુકામાં હજુ સુધી 100 ટકા વરસાદ નોંધાયો નથી. બીજી તરફ નેત્રંગ તાલુકામાં સૌથી વધુ 164 ટકા વરસાદ નોંધાયો છે.
શુક્રવારે હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે સવારથી બપોર સુધી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ભરૂચ શહેરમાં વરસાદને પગલે કેટલાક માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બપોરે 2 વાગ્યા સુધી નોંધાયેલો વરસાદ :
નેત્રંગ: 1 ઈંચ
વાગરા: અડધો ઈંચ
અંકલેશ્વર: અડધો ઈંચ
હાંસોટ: અડધો ઈંચ
જંબુસર: 9 મિમી
ભરૂચ: 8 મિમી
વાલિયા: 6 મિમી
ઝઘડિયા: 5 મિમી
આમોદ: 4 મિમી
જિલ્લામાં ફરી સક્રિય બનેલા વરસાદી માહોલને પગલે ખેડૂતોને ખરીફ પાક માટે રાહત મળી છે. આગામી સમયમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
