રેરેસ્ટ ઓફ રેર કેટેગરીમાં ગણાતા આ કેસમાં ચાર્જશીટના ૭૨ દિવસમાં જ સજા ફરમાવાઈ
અંકલેશ્વરના એડીશ્નલ સેશન્સ કોર્ટમાં પ્રથમવાર મૃત્યુદંડની સજા ફટકારાઈ
ઝઘડીયા પંથકમાં આવેલી એક કંપનીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય પરિવારની ૯ વર્ષની માસુમ બાળકીને પાડોશમાં જ રહેતા અને પંદરેક વર્ષથી પારિવારિક સંબંધ ધરાવતા વિજયકુમાર રામશંકર પાસવાને અપહરણ કરીને તેમના રહેણાંક વિસ્તારથી થોડેક જ દુર કમ્પાઉન્ડ વોલની પાછળ થઈ જઈ બાળકી સાથે અમાનુષી દુષ્કર્મ આચયું હતુ. દુષ્કર્મની તપાસમાંથી બચવા માટે વિજયકુમારે નિક્ષ્ણ હથિયારથી બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. બીજીતરફ બાળકી ગુમ થતાં પરિવાર તેને શોધી રહ્યો હતો તે વેળા તેનો કમ્પાઉન્ડ પાછળથી આવતી કણસતો અવાજ સાંભળીને તેની માતાએ ત્યાં જઈ જોતા અત્યંત ગંભીર હાલતમાં પોતાની પુત્રી પડેલી જણાઈ હતી તેને તાત્કાલીક ભરૂચ સિવિલમાં ખસેડતા તેની સાથે અત્યંત ગંભીર રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાનું તબીબે જણાવ્યુ હતુ. બાળકીની હાલત નાજુક હોય તેને તાત્કાલીક વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
નિર્ભયાકાંડને યાદ અપાવતી આ ઘટનાને ગંભીરતાથી લઈ ઝઘડીયા પોલીસ સહિત એલસીબી, એસઓજીની ટીમોએ તપાસનો દોર શરૂ કર્યો હતો. બીજી તરફ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ પણ તપાસને તેજ કરાવતા ગણતરીના સમયમાં જ વિજય પાસવાન પોલીસના સંકજામાં આવી ગયો હતો. ઘટનામાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા સરકારી વકીલ પરેશ પંડવાએ દલીલો રજુ કરી હતી. રેરેસ્ટ ઓફ રેર કેસ કેટેગરીમાં આવતી આ ઘટનામાં દરેક પ્રકારના પુરાવા, સ્થળ પંચનામુ સહિતની વિગતોને ધ્યાનમાં રાખી કોર્ટે વિજયકુમાર રામશંકર પાસવાનને ભારતીય ન્યાય સંહિતાની કલમ-૧૩૭(૧)(બી), ૨(૨), ૧૦૯(૧), ૧૦૩(૧), ૩૩૨(એ), ૧૧૮(એ) તથા પોકસો એકટ કલમ ૪.6 મુજબનો ગુનામાં કસુરવાર ઠેરવી અપરહરણ, બળાત્કાર અને ખૂન કરવા બદલ ફાંસીની સજા એટલે કે મૃત્યુદંડની સજા ફટકારી છે. તેમજ ભોગ બનનાર પરિવારને વળતર તરીકે ૧૦ લાખ રૂપિયા આપવાનો હુકમ કરેલ છે.
સરકારી વકીલે ફી વિના કેસ લડયો અમાનુષીય દુષ્કર્મની ઘટના બાદ વિજયકુમાર પાસવાન સામે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. સરકારી વકીલ પરેશ પંડયાએ પણ જે તે સમયે આ કેસ કોઈપણ પ્રકારની ફ્રી બીધા વિના લડશે તેવી જાહેરાત કરી હતી. કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થયા બાદ સરકારી વકીલ પરેશ પંડયાએ વિવિધ પુરાવા તેમજ દલીલો રજુ કરતા માત્ર ૭૨ દિવસમાં જ કોર્ટે આરોપીને ફાંસીની સજાનો હુકમ કરેલ છે. સરકારી વકીલ પરેશ પંડયાએ જણાવ્યુ હતુ કે, અંકલેશ્વરના એડીશ્નલ એન્ડ ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટમાં મૃત્યુદંડની સજા થઈ હોય તેવો આ પહેલો કિસ્સો છે.
