ભરૂચના મદદનીશ પ્રાયોજના અધિકારીએ હાંસોટ, આમોદ અને જંબુસરના 11 કામોની તપાસના રિપોર્ટના આધારે ફરિયાદ નોંધાવી
દાહોદ બાદ ભરૂચમાં પણ મનરેગા કૌભાંડનું ભુત ધૂણ્યું
ભરૂચ.
દાહોદમાં મંત્રી બચુ ખાબડના પુત્રો દ્વારા મનરેગાના કામોમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો હતો. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં મનરેગાના કામોની તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે ભરૂચમાં પણ આવું જ એક મનરેગાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. વેરાવળની બે કંપનીઓ દ્વારા ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોટ પંથકમાં મનરેગાના 56 જેટલા ગામોમાં કુલ 7.30 કરોડની ગોબાચારી કરી હોવાનું ફલિત થતાં બન્ને એજન્સીઓ સામે ભરૂચના મદદનીશ પ્રયોજના અધિકારીએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
કેન્દ્ર સરકારની મનરેગા યોજના હેઠળ ગરીબ લોકોને મજૂરી સાથે રોજી રોજગાર મળી રહે તે માટેના ગ્રામ્ય વિસ્તારોમાં થતાં કામોમાં સરપંચથી લઈ ઉપર સુધીના પદાધિકારીઓ અને અધિકારીઓનાં મેળાપીપણામાં કરોડોના કૌભાંડ થઈ રહ્યા છે. જેમાં દાહોદના મંત્રી બચુ ખાબડનાં બે પુત્રો મનરેગા કૌભાંડમાં સંડોવાતા સમગ્ર રાજયમાં મનરેગા યોજનાનાં કામોની સમીક્ષા અને ઉંડાણપુર્વકની તપાસ શરૂ થઈ ચુકી છે. ત્યારે ભરૂચમાં પણ મનરેગાના 56 કામોમાં કુલ 7.30 કરોડોથી વધુની ગોબાચારી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
ભરૂચના મદદનીશ પ્રાયોજના અધિકારી એ ડિવિઝન પોલીસ મથકે વેરાવળની બે એજન્સીઓ જલારામ એન્ટર પ્રાઇઝ એજન્સી (પ્રો. પિયુષ રતિલાલ નુકાણી) તેમજ મુરલીધર એન્ટરપ્રાઇઝ ( પ્રો. જોધાભાઇ નારણ સભાડ ) વિરૂ્ધ્ધ ફરિયાદ નોંધાવી છે. બન્ને એજન્સીઓ દ્વારા આમોદ, જંબુસર તેમજ હાંસોટમાં 11 ગામોમાં કુલ 19.64 લાખની વધુની ખાયકી કરી હોવાનું વહિવટી તપાસમાં બહાર આવ્યું છે. બન્ને એજન્સીઓએ 236 મીટરની લંબાઇના રસ્તાના કામોના અલગ અલગ ટુકડા કરી તેમાં વર્ક ઓર્ડર મુજબ કામ નહીં કરી જેટલાં પ્રમાણમાં મેટલ-ક્વોરી સ્પોઇલનો ઉપયોગ કરવાનો થાય તે કર્યો ન હતો. ઉપરાંત તેમણે ઓછુ મટીરિયલ વાપરીને તેમજ ક્વોરી સ્પોઇલ વાપર્યું ન હોવા છતાં તે કામનું આખે આખું બીલ બનાવી તે સંલગ્ન વિભાગમાંથી પાસ કરાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના પગલે બન્ને એજન્સીઓએ 20 જાન્યુઆરી 2023થી 30 જૂન 2024 સુધીમાં જિલ્લાભરમાં કુલ 56 કામો કર્યાં હતાં. તે તમામ કામોમાં પણ આ જ પ્રકારે ગોબાચારી કરી હોવાથી આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં થયેલી 11 કામોની તપાસના રિપોર્ટના આધારે તમામ 56 કામોમાં થયેલી ગોબાચારીનો સરેરાશ આંક નક્કી કરતાં તે 7.30 કરોડ સુધી પહોંચી ગયો હતો. બન્ને એજન્સીઓના બીલ પાસ કરવામાં કે અન્ય રીતે સંલગ્ન વિભાગના સરકારી અધિકારી, કર્મચારી, કે આઉટ સોર્સના કર્મચારીઓ સહિતની મિલીભગત હોવાનું નકારી શકાય તેમ ન હોઇ તપાસ દરમિયાન જે અધિકારી-કર્મચારીની સંડોવણી બહાર આવશે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે હાલમાં મામલામાં ભરૂચના મદદનીશ પ્રાયોજના અધિકારીની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
