અસહ્ય દુર્ગંધ અને ગંદકીના કારણે રોગચાળો ફાટવાની દહેશત
। ભરૂચ ।
ભરૂચના મહમંદપુરા ખાતે આવેલાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંકૂલમાં બગડેલાં શાકભાજી, ફળફળાદીનો યોગ્ય નિકાલ નહી કરી અંદર જ ઢગલાં કરી દેવાતાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. તેમાંય હાલમાં વરસાદી માહોલ જામતાં સ્થિતી વધુ દયનિય બની ગઈ છે. ત્યારે સફાઈની વ્યવસ્થા નથી ત્યારે તાત્કાલિક અસરે તેમાં સુધારાત્મક પગલાં નહીં ભરાય તો કાનૂની માર્ગે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારાઈ હતી.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલાં એપીએમસી માર્કેટમા ૪૦૦થી વધુ વેપારીઓ વેપાર કરે છે. જોકે, એપીએમસીમાં વર્ષોથી સફાઈનો વિકટ પ્રશ્ન છે. એપીએમસીના સંચાલકો દ્વારા સંકુલમાં સાફસફાઈ કરવામાં આવતી ન હોવાનો રોષ વેપારીઓમાં ફેલાયો છે.વેપારીઓએ રોષ ઠાલવતાં જણાવ્યું છે કે, તેઓ કરોડો રૂપિયાનો માર્કેટ ચાર્જ ચુકવે છે. એપીએમસી સમિતીની એકંદરે તમામ સુચનોનું તેઓ પાલન કરે છે. તેમ છતાં એપીએમસીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. નિયમિત સફાઈના અભાવે બજારમાં ગંદકી અને અસહ્ય દુર્ગંધની સમસ્યા છે. દરમિયાનમાં હવે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વેપારીઓ દ્વારા સંકુલમાં નાંખી દેવામાં આવતાં બગડેલાં શાકભાજી, ફળફળાદીના કચરાને કારણે થતી ગંદકીથી લોકોમાં રોગચાળો ફાટી નિકળવવા સાથેની સમસ્યાઓ સર્જાય છે.
ત્યારે ભારતીય રાષ્ટ્રીય વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદ રાણાએ એપીએમસીની મુલાકાત લઈને સ્થળ નિરિક્ષણ કર્યું હતું ઉપરાંત એપીએમસીમાં ગંદકીની સ્થિતી જોઈને તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ રોપ ઠાલવતાં જણાવ્યું હતુ કે, એપીએમસી દ્વારા વેપારીઓ પાસેથી મોટા ચાર્જ વસુલવામાં આવે છે તો તેનો ઉપયોગ ક્યાં થાય છે. જો એપીએમસી તાત્કાલિક સુધારાત્મક પગલાં નહીં ભરે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવશે.
