રતન તળાવની દર બે દિવસે સફાઇની બાંહેધરી આપી છતાં બે વર્ષથી સફાઇ થતી નથી : સ્થાનિકોઁ
ભરૂચ.
ભરૂચ શહેરના મધ્યમાં આવેલું રતન તળવા ઐતિહાસિક દરજ્જો ધરાવે છે અને તેમાં વસતાં કાચબાઓ શિડ્યુલ-1માં આવતાં અલભ્ય અને દુર્લભ પ્રજાતિના હોવા છતાં પાલિકા તંત્ર કે ફોરેસ્ટ વિભાગ તેમની જાળવણી કરવામાં રસ નથી દાખવતાં તેવો રોષ સ્થાનિક રહિશોમાં જોવા મળી રહ્યો છે. ઉપરાંત પાલીકા દ્વારા દર બે દિવસે રતન તળાવની સાફ સફાઇ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. તેમ છતાં બે વર્ષથી સફાઇ કે તળાવના પાણીનું ઓક્સિનેશન નહીં કરતાં અનેક તર્કવિતર્ક સર્જાઇ રહ્યાં છે.
ભરૂચ શહેરના મધ્યમાં આવેલું રતન તળાવ એક ઐતિહાસિક ધરોહર હોવા છતાં તેની જાળવણી કરવામાં પાલિકા તંત્રને કોઇ રસ હોય તેમ લાગી રહ્યું નથી. છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્થાનિકો દ્વારા તળાવની ગંદકી, દબાણ તેમજ આસપાસની હોટલો, દુકાનોના ગંદા અને મળમુત્રવાળા પાણી તળાવમાં ભળતાં હોવા સહીતના અનેક પ્રશ્નોને લઇને નગરપાલીકામાં ફરિયાદો-રજૂઆતો કરવામાં આવી રહ્યાં છે. જોકે, પાલીકા દ્વારા તેને લઇને કોઇ નક્કર પગલાં ભરાયાં નથી. તેવો રોષ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, રતન તળાવમાં અલભ્ય એવા શિડ્યુલ-1માં આવતાં કાચબાનો વસવાટ છે. જેમાં કેટલાંક કાચબાઓની ઉમર 200થી 300 વર્ષની હોવાનું અનુમાન છે. ત્યારે આવા અતિદુર્લભ કાચબાની પ્રજાતિને બચાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાને બનલે ભરૂચ નગરપાલીકા અને ફોરેસ્ટ વિભાગ આ પ્રજાતિનું અસ્તિત્વ મટી જાય તેની રાહ જોઇને બેઠું હોવાનો રોષ સ્થાનિકો ઠાલવી રહ્યાં છે.
રતન તળાવના કિનારે રહેલાં લોકોએ ભરૂચ નગરપાલિકાના સીઓને આવેદન પત્ર આપ્યું હતું જેમાં તેમણે પોતાનો રોષ ઠાલવા સાથે જણાવ્યું હતું કે, પાલીકા દ્વારા અગાઉ દર બે દિવસે તળાવની સફાઇ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. જોકે, છેલ્લાં બે વર્ષથી તળાવની સફાઇ કરવામાં આવી નથી. ઉપરાંત પાણીમાં ઓક્સિજનની માત્રા જાળવવા માટે લગાવેલું ઓક્સિજન મશીન પણ છેલ્લાં 5 વર્ષથી બંધ છે. ત્યારે પાલિકા દ્વારા રતન તળાવ પર ખાસ ધ્યાન રાખી કામગીરી કરાય તેવી માગ ઉઠી હતી.
