Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મનરેગા કૌભાંડમાં કરાર આધારિત અને આઉટસોર્સના ૨૧ કર્મચારીઓને છુટા કરાયા 

Share

ત્રણેય તાલુકામાં થયેલા કામોમાં ગેરરિતીમાં કર્મચારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યુ
ભરૂચ.
દાહોદમાં બચુ ખાબડના પુત્રોએ આચરેલા મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં સામે આવેલા મનરેગા કૌભાંડે રાજયભરમાં ચકચાર મચાવી છે. મનરેગા કૌભાંડમાં પોલીસ કરિયાદ નોંધાતા એક તરફ પોલીસે જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય સહિત કૌભાંડ આચરનાર બંન્ને એજન્સીઓના પ્રોપરાઈટર સહિત 6 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મામલામાં વહીવટી તંત્ર દ્વારા પણ ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેના ભાગરૂપે મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા કરાર આધારિત અને આઉટસોર્સના ૨૧ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં આમોદ, હાંસોટ અને જંબુસરમાં એપીઓ, ટેકનીકલ આસીસ્ટન્ટ, એકા.આસીસ્ટન્ટ, એમઆઈએસ અને ગામ રોજગાર સેવક દ્વારા મનરેગાની કામગીરીમાં નિષ્કાળજી દાખવવા સાથે મનસ્વી વર્તન કરી નબળી કામગીરી કરી હોવાનું વહીવટી તંત્રના ધ્યાનમાં આવ્યુ છે ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મામલામાં સંડોવાયેલા ૨૧ જેટલા કરાર આધારિત અને આઉટસોર્સના કર્મચારીઓની સેવા સમાપ્ત કરવાનો હુકમ કર્યો છે. ભરૂચ જિલ્લામાં બનાસકાંઠાની બનાસ વિકાસ જાગૃતિ મંડળ નામના આઉટસોર્સના કર્મચારીઓની સેવા આપનાર એજન્સીને પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ કરેલા હુકમમાં નોંધ્યુ છે કે, મનરેગાની કામગીરીમાં ૬૦-૪૦ ના રેસિયા મુજબ કામગીરી કરવામાં આવી ન હતી ઉપરાંત ત્રણેય તાલુકામાં માટી, મેટલના રસ્તાના કામોમાં ગંભીર પ્રકારની ગેરરિતી થઈ હતી. નોંધનીય છે કે, જે બીલો પાસ કરવામાં આવ્યા છે તેમાં એક કે બે જગ્યાના રસ્તાના ફોટા અન્ય કામોના બીલોમાં દર્શાવીને બીલ પાસ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત જંબુસરમાં કર્મચારીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીની પરવાનગી લીધા વિના કુલ ૧.૮૬ કરોડથી વધુની રકમના બીલ ઓનલાઈન કરવામાં આવ્યા હતા જે તેમની સત્તા બહારની કામગીરી હોવા છતાં તેઓ દ્વારા કરવામાં આવી હતી. ત્રણેય તાલુકામાં કર્મચારીઓની તેઓની ફરજમાં નિષ્કાળજી અંગે વારંવાર નોટીસો આપવા છતાં તેઓ દ્વારા મનસ્વી રીતે કામ કરી કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ જેના પગલે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
કર્મચારીઓ પર તત્કાલીન ડીડીઓનું દબાણ રહેતુ હોવાની રાવ

મનરેગા કૌભાંડની તપાસ પોલીસ કરી રહી છે જેમાં અત્યાર સુધીમાં ૬ આરોપીઓની ધરપકડ કરાઈ છે બીજી તરફ કરાર આધારિત અને આઉટસોર્સવાળા કુલ ૨૧ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે ત્યારે કચેરીઓના આંતરિક સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તત્કાલીન ડીડીઓ પ્રશાંત જોષી દ્વારા મનરેગામાં થતી કામગીરીમાં બીલ વહેલા પાસ કરવા સહિત ચોક્કસ બાબતોમાં આંખ આડા કાન કરવા દબાણ કરાતુ હોવાની કેફીયત કર્મચારીઓ દ્વારા વ્યકત કરવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસમાં આ મામલામાં શું આગળ આવે છે તે જોવુ રહ્યું.
બે કર્મચારીઓએ પહેલીથી જ રાજીનામાં મુકી દીધા

મનરેગા કૌભાંડના મામલામાં આંતરિક તપાસની ચણભણાટ શરૂ થતાં જ કારસામાં સંડોવાયેલા કર્મચારીઓમાં ભય ફેલાયો હતો. તેવામાં હાંસોટ તાલુકામાં ફરજ બજાવતા ગ્રામ રોજગાર સેવક (જીઆરએસ) હીના જયંતિભાઈ પટેલે ૨૩ મી મે ના રોજ પોતાનું રાજીનામું આપ્યુ હતુ. બીજી તરફ હાંસોટના જ જીઆરએસ જયેશ નગીન પરમારે પણ ૨૧મી જુને પોતાનું રાજીનામું મુકતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તેમના રાજીનામાં સ્વીકારી લેવામાં આવ્યા હતા.
બંન્ને એજન્સીઓ જયાંની છે ત્યાંના જ વતની એવા કર્મીની પણ સંડોવણી

ભરૂચ જિલ્લામાં થનારા મનરેગા હેઠળ કામો માટે વેરાવળની સુપાસી ખાતેની બે એજન્સીઓ મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝની નિમણુંક કરાઈ હતી. ત્રણેય તાલુકામાં કામગીરી વેળા બંન્ને એજન્સીઓના મુખ્ય સુત્રધાર હીરા જોટવાના વહીવટદાર એવા સરનમ સોલંકી દ્વારા તાલુકાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે સંપર્ક કર્યો હતો. આ દરમ્યાનમાં જંબુસરમાં એપીઓ તરીકે કામ કરતો વિશાલ સોલંકી મુળ સુપાસીનો વતની હોવાનું તેમજ આમોદમાં એપીઓ અને ટીએ તરીકે ફરજ બજાવતા દંપત્તી હિરેન ટાંક અને સીમા ટાંક સુપાસી પાસેના જ ગામના વતની હોવાથી તેઓ પણ કૌભાંડમાં સંડોવાયા હતા.


Share

Related posts

ગુજરાત યુનિવર્સિટીના છબરડાને કારણે 500 વિદ્યાર્થીઓનું ભાવી મુશ્કેલીમાં, ફી ભરી હોવા છતા ન મળી હોલ ટીકીટ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી એક કંપનીમાં ૮ થી ૧૦ મહિલાઓ ગેરકાયદેસર પ્રવેશ કરી કંપનીના કેબિનો માંથી રોકડ રકમ 24 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર

ProudOfGujarat

ભરૂચમાં ધો .૧૦ અને ૧૨ ની પરીક્ષાનાં કેન્દ્રો બહાર બેઠક નંબર જોવા વિદ્યાર્થીઓની ભીડ જામી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!