ભરૂચની વાડીમાં બાળલગ્ન થતાં સંચાલકોને પણ તેડૂ
ભરૂચ.
ભરૂચ શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલી એક વાડીમાં સગીરાના લગ્ન થયાં હોવાના મામલે બાળલગ્ન વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અંક્લેશ્વરના યુવાન અને નવસારીની સગીરા વચ્ચે લગ્ન થયાંના ત્રણ મહિનામાં જ તેમની વચ્ચે તકરાર થતાં સગીરાએ પોલીસના દ્વાર ખખડાવતાં બાળલગ્નનો ભાંડો ફૂટ્યો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ શહેરમાં દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી એક વાડીમાં ગત 23મી નવેમ્બરના રોજ અંક્લેશ્વરના એક યુવાન અને નવસારીની એક 14 વર્ષની સગીરાના લગ્ન લેવાયાં હતાં. લગ્નના સમયે કોઇ કારણસર યુવાનને અચાનક ખેચ આવતાં તે ઢળી પડ્યો હતો. જાનૈયાઓ સહિત લગ્નમાં આવેલાં લોકોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. દરમિયાનમાં લોકોએ કાંદા તેમજ ચામડાના ચપ્પલ સુંઘાડીને વરરાજાને ભાનમાં લાવ્યાં હતાં. ધામધૂમથી લગ્ન થયાં બાદ નવદંપતિ અંક્લેશ્વર ખાતે રહેતું હતું. છેલ્લાં ત્રણ મહિના દરમિયાન સગીરા અને તેના પતિ વચ્ચે કોઇવાતે અણબનાવ થતાં તેણે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યાં હતાં જોકે, પોલીસે તેની પ્રાથમિક પુછપરછ કરતાં તેમના બાળલગ્ન થયાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે સમગ્ર મામલામાં ભરૂચની વાડીના સંચાલકોને તેડુ મોકલતાં તેઓ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાં હતાં. વાડી સંચાલકોએ ઘટના બાદ તુરંત એક્શનમાં આવી વાડીમાં બોર્ડ ચીતરાવી દીધું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વાડીભાડે લેવા માટે વર-કન્યાં બન્નેનાઆધારકાર્ડ ફરજિયાત જમા કરવા સુચના આપી છે. ઉપરાંત નાની ઉમરમાં લગ્ન કરવો એ ફોજદારી ગુનો બને છે ત્યારે જો કોઇ બોગસ રીતે વાડીમાં બાળલગ્ન કરાવશે તો તેની સંપૂર્ણ જવાબદારી વર-કન્યાના પરિવારજનોની રહેશે તેવી સુચના લખી કાઢી છે. ત્યારે આ કિસ્સો શહેર જિલ્લાના અન્ય વાડી-પાર્ટી પ્લોટ સંચાલકો માટે ચેતવણીરૂપ કિસ્સો બની ગયો છે.
