ભરૂચ શહેરના સી-ડિવિઝન પોલીસ મથક હેઠળ વર્ષ 2024 દરમિયાન સામે આવેલા કરોડો રૂપિયાની છેતરપિંડીના હાઈપ્રોફાઇલ કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ખોટા લોન સેન્કશન લેટર, બનાવટી એફ.ડી. દસ્તાવેજો અને વિવિધ સરકારી યોજનાઓના બહાના હેઠળ અનેક લોકોને છેતરનાર રીઢો આરોપી યતીન અરુણભાઈ શાહને આંતરરાષ્ટ્રીય સ્તરના ટેકનિકલ સર્વેલન્સ બાદ બેંગ્લોર એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ભરૂચના ઝાડેશ્વર રોડ સ્થિત રામવાટિકા સોસાયટીમાં રહેતા અને “દ્રષ્ટિ કાર સ્પા” નામે વ્યવસાય કરતા દિપનભાઈ અરૂણભાઈ દલાલે ભરૂચ સી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, તેમની દીકરીને યુનાઇટેડ કિંગડમમાં અભ્યાસ માટે મોકલવાની પ્રક્રિયા દરમિયાન યતીન શાહે પોતાના સંપર્કો દ્વારા વિઝા અપાવી આપવાની ખાતરી આપી હતી.
આરોપીએ યુ.કે. એમ્બેસીમાં ઓળખાણ હોવાનો દાવો કરી પરિવારનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિઝા પ્રક્રિયા માટે બેંક ટ્રાન્ઝેક્શન દર્શાવવાની જરૂર હોવાનું કહી દિપનભાઈની પત્નીના ખાતામાં રહેલા રૂ. 21.95 લાખ પોતાના પુત્ર અરહમ શાહના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
વિઝા પ્રક્રિયા પૂર્ણ ન થતા જ્યારે દિપનભાઈએ પોતાના રૂપિયા પરત માંગ્યા ત્યારે આરોપીએ SIDBI બેંકમાં રૂ. 22 લાખની એફ.ડી. કરાવ્યાનો ખોટો લેટર વોટ્સએપ મારફતે મોકલ્યો હતો. એટલું જ નહીં, દીકરીના નામે ICICI બેંકમાંથી રૂ. 24 લાખની એજ્યુકેશન લોન મંજૂર થયાનું ખોટું સહી-સિક્કાવાળું લોન સેન્કશન લેટર પણ આપ્યું હતું.
જોકે બાદમાં દસ્તાવેજોની ખરાઈ કરતાં SIDBI અને ICICI બેંકના અધિકારીઓએ બંને લેટર સંપૂર્ણપણે ખોટા અને બનાવટી હોવાનું જાહેર કર્યું હતું. જેથી દિપનભાઈને પોતાની સાથે મોટાપાયે છેતરપિંડી થઈ હોવાનો ભાન થયું હતું.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે યતીન શાહે માત્ર એક પરિવાર નહીં પરંતુ અનેક લોકોને વિવિધ બહાનાઓ હેઠળ કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનાવ્યા હતા. આરોપીએ મુદ્રા લોન, પ્રધાનમંત્રી સબસીડી યોજના, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ફ્લેટ ઇન્વેસ્ટમેન્ટ તેમજ એજ્યુકેશન લોનમાં સબસીડી અપાવવાના નામે લોકો પાસેથી નાણા પડાવ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું હતું કે રાકેશ ભટ્ટ પાસેથી રૂ. 30.70 લાખ, ધ્રુવભાઈ પટેલ પાસેથી રૂ. 5 લાખ, તેજલબેન માસ્ટર પાસેથી રૂ. 11.60 લાખ, સુનિલભાઈ પરમાર પાસેથી રૂ. 5.95 લાખ, સંદીપ શ્રીવાસ્તવ પાસેથી રૂ. 3.50 લાખ, સ્નેહલ પટેલ પાસેથી રૂ. 4.30 લાખ, અલ્પેશકુમાર શાહ પાસેથી રૂ. 24.30 લાખ, રોમેશ ત્રિવેદી પાસેથી રૂ. 13.90 લાખ અને નરેન્દ્ર પટેલ પાસેથી રૂ. 7.25 લાખ મળી કુલ રૂ. 1.24 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
ગુનો નોંધાયા બાદ આરોપી યતીન શાહ પોલીસની નજરથી બચવા ભારત છોડીને મલેશિયા ભાગી ગયો હતો. ત્યારબાદ ભરૂચ સી-ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, ડિજિટલ ટ્રેકિંગ અને વિવિધ રાજ્યોમાં નેટવર્ક સક્રિય કરી તેની શોધખોળ શરૂ કરી હતી.
આ દરમિયાન આરોપી મલેશિયાથી ભારત પરત ફરી રહ્યો હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળતા બેંગ્લોર એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેના આધારે બેંગ્લોર પોલીસે એરપોર્ટ પરથી જ આરોપીને ઝડપી લીધો હતો. ત્યારબાદ ભરૂચ સી-ડિવિઝન પોલીસની ટીમ બેંગ્લોર પહોંચી આરોપીની કસ્ટડી મેળવી તેને ભરૂચ લાવવામાં સફળ રહી હતી.
હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ હવે આ સમગ્ર છેતરપિંડીના નેટવર્ક, અન્ય સંભવિત ભોગ બનનારાઓ તેમજ આરોપીના સાગરિતોની સંડોવણી અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
