ડ્રાઈવર, કંડક્ટર તેમજ મિકેનિકલ સ્ટાફ સહિતના કર્મચારીઓને ઊર્જા બચતનું મહત્વ સમજાવવામાં આવ્યું
ભરૂચ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઊર્જા અને ડીઝલ બચતના આહવાન બાદ રાજ્ય સરકાર અને એસટી નિગમે તેની ગંભીર નોંધ લઈ રાજ્યભરમાં બચત અભિયાનને વેગ આપ્યો છે. તેના ભાગરૂપે ભરૂચ એસટી વિભાગ દ્વારા ઊર્જા બચત માટે સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને એસટી નિગમ તરફથી મળેલી સૂચનાઓના આધારે ભરૂચ ડેપો ખાતે ‘ઓપન હાઉસ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડ્રાઈવર, કંડક્ટર તેમજ મિકેનિકલ સ્ટાફ સહિતના કર્મચારીઓને ઊર્જા બચતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ડ્રાઈવરો દ્વારા યોગ્ય ડ્રાઈવિંગ પદ્ધતિ અપનાવવામાં આવે, વાહનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તેમજ ગાડીઓની સરેરાશ (KMPL) સુધારવામાં આવે તો ડીઝલ બચતમાં મોટો ફાળો મળી શકે છે. આ માટે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે.
ડેપો મેનેજરે સ્પષ્ટ કર્યું હતું કે, ડીઝલ બચત અભિયાનના કારણે હાલ પૂરતી એસટી બસોના રૂટ અથવા ટ્રિપોમાં કોઈ અસર થવાની શક્યતા નથી. ભરૂચ ડેપો પાસે પૂરતો ડીઝલ જથ્થો ઉપલબ્ધ છે અને તેનો સપ્લાય પણ નિયમિત રીતે મળી રહ્યો છે.
તેમણે ગ્રામિણ વિસ્તારના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, લોકો પોતાના ખાનગી વાહનોના બદલે વધુમાં વધુ એસટી બસ સેવાઓનો ઉપયોગ કરે. ખાસ કરીને ગામડાંમાંથી શહેરોમાં અવરજવર માટે સરકારી પરિવહન સેવાનો ઉપયોગ વધારવાથી વ્યક્તિગત ઇંધણ બચત સાથે દેશના ઊર્જા સંરક્ષણમાં પણ મહત્વનો ફાળો મળી શકશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગ્રામિણ વિસ્તારોમાં મુસાફરોની સંખ્યા વધશે તો એસટી તંત્ર માટે તે રૂટ પર સેવાઓ સતત ચાલુ રાખવી વધુ સરળ બનશે.
