અંકલેશ્વર શહેરમાં પ્રેમપ્રકરણને લઈ એક ચકચાર મચાવતો હત્યાકાંડ સામે આવ્યો છે. જુના બોરભાઠા ગામ નજીક બુલેટ ટ્રેનના બ્રિજ પાસે આવેલા ખેતરમાંથી એક રિક્ષાચાલકનો ગળું કાપેલો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી મૃતકની પ્રેમિકા અને તેના હાલના પ્રેમીની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, મૂળ રાજકોટ જિલ્લાના રહેવાસી અને હાલ અંકલેશ્વરના નવા બોરભાઠા ગામ ખાતે રહેતા કાંતીલાલ ઉર્ફે મુકેશ રતિલાલ મોભેરા (ઉ.વ. આશરે 41) ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની પત્ની ભારતીબેન જ્યોતિ ટોકીઝ નજીક ફૂલ અને કેળાની લારી ચલાવી પરિવારને આર્થિક સહારો આપતી હતી. દંપતીને બે સંતાનો છે, જેમાં 11 વર્ષનો પુત્ર જયદીપ અને સાડા ચાર વર્ષની પુત્રી ઇશિતાનો સમાવેશ થાય છે.
ઘટનાના દિવસે સવારે કાંતીલાલ પોતાની પત્ની અને બાળકોને જ્યોતિ ટોકીઝ પાસે આવેલી લારી પર મૂકીને રોજની જેમ રિક્ષા લઈને ધંધા માટે નીકળ્યા હતા. બપોરના સમયે પત્નીએ કેળાના વેપારીને રૂપિયા 200 ગુગલ-પે કરવા માટે ફોન કર્યો હતો, જે તેમણે કરી આપ્યું હતું. જોકે ત્યારબાદ બપોરે 12 વાગ્યા પછી તેમનો મોબાઈલ ફોન સતત સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો. પરિવારજનોએ વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ સંપર્ક ન થતાં ચિંતા વધી હતી.
સાંજના સમયે પોલીસ સ્ટાફ ભારતીબેન પાસે પહોંચી તેમના પતિ અંગે પૂછપરછ કરી તેમને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. ત્યારબાદ પોલીસે તેમને જુના બોરભાઠા ગામથી સરફુદ્દીન ગામ તરફ જતા માર્ગ પર બુલેટ ટ્રેનના બ્રિજ નજીક આવેલા ખેતરમાં લઈ જઈ મૃતદેહ બતાવ્યો હતો. ત્યાં કાંતીલાલની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હતી. તેમના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા જોવા મળ્યા હતા જ્યારે તેમણે પહેરેલું સફેદ શર્ટ લોહીથી ખરડાયેલ હાલતમાં હતું. ઘટનાસ્થળથી થોડે દૂર તેમની ઓટો રિક્ષા પણ બિનવારસી હાલતમાં ઉભી મળી આવી હતી.
મૃતકની પત્ની ભારતીબેને પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પતિને છેલ્લા આઠ વર્ષથી તલાવીયાવાડ વિસ્તારમાં રહેતી તેમના સગા કાકાના દીકરાની વિધવા પત્ની જ્યોતિ રાઠોડ સાથે પ્રેમસંબંધ હતો. આ સંબંધને લઈને અગાઉ પરિવારજનો વચ્ચે ઝઘડા અને વિવાદ પણ થયા હતા. હાલમાં પણ બંને વચ્ચે સંપર્ક ચાલુ હોવાની તેમને શંકા હતી.
પોલીસે આ દિશામાં તપાસ આગળ વધારી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઈલ કોલ ડિટેઇલ્સ અને પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. તપાસમાં સામે આવ્યું કે જ્યોતિ રાઠોડ અને તેના હાલના પ્રેમી પીરામણ ગામના સંજય વસાવાએ મળીને કાંતીલાલની હત્યાની સાજિશ રચી હતી. પ્રેમસંબંધમાં અડચણરૂપ બનતા કાંતીલાલને રસ્તામાંથી હટાવવાના ઇરાદે બંનેએ આ હત્યાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે બંનેની સઘન પૂછપરછ શરૂ કરી છે. હત્યામાં વપરાયેલ હથિયાર, ઘટનાસ્થળના અન્ય પુરાવા તેમજ ઘટનાક્રમ અંગે વધુ માહિતી મેળવવા તપાસનો ધમધમાટ ચાલુ છે.
પ્રેમપ્રકરણમાં બનેલી આ હત્યાની ઘટનાએ સમગ્ર અંકલેશ્વર શહેરમાં ભારે ચકચાર જગાવી છે. સ્થાનિકોમાં પણ આ બનાવને લઈ અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
