ભરૂચ જિલ્લામાં ભેંસલી ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે સાઢુભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં હતાં. જેમાં એકનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માત સર્જનાર પીકઅપનો ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે દહેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના કોલીયાદ ગામના રાઠોડ ફળિયામાં રહેતા હિતેશ મુકેશ પાટણવાડિયાના મસિયાઈ સાઢુભાઈ સુરેશ મફત સોલંકી (મૂળ વતન પંડોવી, આણંદ) છેલ્લા એક વર્ષથી કોલીયાદ ગામે આવેલી પોતાની સાસરીમાં પત્ની સાથે રહેતા હતા. ગઈકાલે સુરેશે હિતેશને ફોન કરી ભેંસલી ગામે મચ્છીમારીની જાળ લેવા જવાનું હોવાનું કહી સાથે આવવા જણાવ્યું હતું. ત્યારબાદ બંને બાઈક પર ભેંસલી તરફ જવા નીકળ્યાં હતાં.
ભેંસલી ગામ નજીક પહોંચતા તેઓ પોતાની સાઇડ પર જઈ રહ્યા હતા ત્યારે ભરૂચ તરફથી આવતી એક પીકઅપ ગાડીના ચાલકે ઓવરટેક કરતી વખતે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને સાઢુભાઈ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. અકસ્માત બાદ પીકઅપનો ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો.
સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન સુરેશ મફત સોલંકીનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવ અંગે દહેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ચાલકને શોધવા તેમજ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
