ભરૂચ : ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને મહત્વપૂર્ણ જાણ કરવામાં આવી છે કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડ (SSNNL) દ્વારા મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. હાલ પાણી કેનાલ મારફતે આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં શહેરના પાણી પુરવઠા માટે જરૂરી જથ્થામાં પાણી ઉપલબ્ધ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
નગરપાલિકાના જણાવ્યા અનુસાર, હાલમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને શહેરમાં એક સમય પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જોકે પાણીની સ્થિતિમાં સુધારો થતા તા. 20 જૂન, 2026થી શહેરમાં નિયમિત બે સમય પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે કેનાલમાં અંદાજે 25 દિવસ બાદ પાણી છોડવામાં આવ્યું હોવાથી, પુરવઠો શરૂ થયાના પ્રારંભિક બે દિવસ દરમિયાન પાણી થોડું ડહોળું અથવા ગંદુ આવવાની શક્યતા છે.
તેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા શહેરજનોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ઘરગથ્થુ ફટકડીનો ઉપયોગ કરવા, તેમજ પાણીને ગાળી અને ઉકાળી પછી જ ઉપયોગમાં લેવા વિનંતી કરવામાં આવી છે.
નગરપાલિકાએ નાગરિકોને પાણીનો બગાડ ન કરવા અને પાણીનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા પણ અનુરોધ કર્યો છે.
